દુબઈ
પાકિસ્તાને શુક્રવારે એશિયા કપમાં હોંગકોંગ સામેનો બીજાે મુકાબલો રેકોર્ડ ૧૪૪ રને જીતી લેતા સુપર ફોરમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે જ એશિયા ખંડના બે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન રવિવારે વધુ એક વખત ગ્રુપ એના સુપર ફોર મુકાબલામાં ટકરાશે. પાકિસ્તાને પ્રમાણમાં નબળી ગણાતી હોંગકોંગની ટીમ સામે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં બે વિકેટે ૧૯૩ રન ખડક્યા હતા. જવાબમાં હોંગકોંગની ટીમ ૧૦.૪ ઓવરમાં ફક્ત ૩૮ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પાક.ના ઓપનર મોહમ્મદ રિઝવાને અણનમ ૭૮ રન ફટકારતા તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. પાકિસ્તાનનો કંગાળ શરૂઆત રહી હતી અને કેપ્ટન બાબર આઝમ ૯ રન કરી પેવેલિયન પરત ફર્યો હતો. રિઝવાન અને ફખર ઝમાન (૫૩) વચ્ચે બીજી વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી નોંધાઈ હતી. ખુશદીલે પણ ૩૫ રનની અણનમ ઈનિંગ રમી હતી. હોંગકોંગના બોલર અહેસાન ખાને બન્ને વિકેટ ઝડપી હતી. ભારત સામે હોંગકોંગની ટીમે બેટિંગમાં ગંભીરતા બતાવી હતી પરંતુ પાકિસ્તાન સામે તેનો ધબડકો થયો હતો. ટીમનો એકપણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. હોંગકોંગને પાવર પ્લેનો કોઈ લાભ થયો નહતો અને ૩૦ રનમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. પાકિસ્તાને બોલિંગમાં ૧૦ રન એક્સ્ટ્રા આપ્યા હતા જે હોંગકોંગના કોઈ ખેલાડી કરતા પણ વધુ હતા. હોંગકોંગના ત્રણ ખેલાડી શૂન્યમાં જ્યારે બે ખેલાડી ફક્ત એક રન કરી આઉટ થયા હતા. પાકિસ્તાનના બોલર શાદાબે ચાર વિકેટ ઝડપી હતી. નવાઝે ત્રણ, નસીમે બે અને શાહનવાઝે એક વિકેટ મેળવી હતી.

