કેલીફોર્નીયા
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. શનિવારે બફેલોની ઘટના હજુ તાજી છે ત્યાં રવિવારે પણ ફાયરિંગની ઘટના ઘટી છે. આ ફાયરિંગની ઘટના કેલિફોર્નિયાના એક ચર્ચામાં ઘટી છે. પોલીસના જણાવ્યાં મુજબ દક્ષિણ કેલિફોર્નિયાના પ્રેસ્બિટેરિયન ચર્ચમાં ઘટેલી આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક સંદિગ્ધની અટકાયત કરાઈ છે. પોલીસના જણાવ્યાં મુજબ ઓરેન્જ કાઉન્ટી શેરિફ વિભાગે કહ્યું છે કે લગુના વુડ્સ શહેરમાં જીનેવા પ્રેસ્બિટેરિયન ચર્ચમાં બપોરે લગભગ ૧.૩૦ વાગે ફાયરિંગનો અવાજ સંભળાયો. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું. જ્યારે ૫ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.શેરિફના પ્રવક્તા કેરી બ્રોને કહ્યું કે આ દરમિયાન ત્યાં ૩૦ જેટલા લોકો હાજર હતા. મોટાભાગના લોકો તાઈવાન મૂળના હતા. તેમણે એમ પણ કહ્યું કે તપાસ થઈ રહી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ ધૃણાના પગલે આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. આ અગાઉ ન્યૂયોર્કના બફેલોમાં પણ શનિવારે એક શૂટિંગની ઘટના ઘટી. જેમાં સુપરમાર્કેટમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. આ ઘટનામાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. અમેરિકામાં શૂટિંગની અવારનવાર ઘટતી શૂટિંગની ઘટનાએ ચિંતાનું મોજું ફેલાવ્યું છે. લોકોમાં દહેશતનો માહોલ છે. વ્હાઈટ હાઉસના નિવેદન મુજબ રાષ્ટ્રપતિ બાઈડેન અને તેમના પત્ની લોકોને સાંત્વના પાઠવવા માટે લોકોની વચ્ચે બફેલો જશે.
