દક્ષિણ-આફ્રિકા
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે દ.આફ્રિકાને તેની ધરતી પર વનડે શ્રેણીમાં હરાવીને ઈતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશે ત્રીજી અને અંતિમ વનડે ૯ વિકેટે જીતીને શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી લીધી છે. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ ૩૭ ઓવરમાં ૧૫૪ રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ૨૭મી ઓવરમાં ૧ વિકેટે ૧૫૬ રન બનાવી મેચ જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વિકેટ માટે ૪૬ રન ઉમેર્યા હતા. ઓપનર બેટ્સમેન ડી કોક ૧૨ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો અને ભાગીદારી તૂટી ગઈ. જાે કે બીજાે ઓપનર જાનેમન માલન સામે છેડે બેટિંગ કરતા રહ્યો. પરંતુ બીજા છેડેથી વિકેટ પડવા લાગી. આ દરમિયાન માલન પણ ૩૯ રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશના બોલર તસ્કીન અહેમદ સામે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. પ્રિટોરિયસે ૨૦ અને કેશવ મહારાજે ૨૮ રન બનાવ્યા હતા. આ રીતે દક્ષિણ આફ્રિકાની પુરી ટીમ ૩૭ ઓવરમાં ૧૫૪ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે ૩૫ રનમાં સૌથી વધુ ૫ વિકેટ ઝડપી હતી તો શાકિબ અલ હસનને ૨ વિકેટ મળી હતી. બાંગ્લાદેશ ટીમ માટે આ આસાન લક્ષ્ય હતું અને ઈતિહાસ રચવાની મોટી તક હતી. બાંગ્લાદેશ ટીમ તરફથી ઓપનર લિટન દાસ અને તમીમ ઈકબાલે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી. લિટન દાસે શાનદાર પ્રદર્શન કરતા તેણે ૪૮ રન બનાવ્યા હતા પણ તે ૨ રનથી અડઝી સદી ચુકી ગયો હતો તો તમીમ ઈકબાલ અણનમ રહ્યો હતો અને ૮૭ રને અણનમ રહ્યો હતો. શાકિબ અલ હસન ૧૮ રને અણનમ રહ્યો હતો. આમ શાકિબ અલ હસન અને તમીમ ઈકલાબે બાંગ્લાદેશ ટીમને જીત અપાવી હતી. બાંગ્લાદેશની ટીમે ૨૭મી ઓવરમાં ૧ વિકેટે ૧૫૬ રન કરીને મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશે યજમાન દક્ષિણ આફ્રિકાને શ્રેણીમાં ૨-૧થી હરાવીને સીરિઝ પર કબજાે કર્યો હતો. બાંગ્લાદેશ ટીમના તસ્કીન અહેમદને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


