ફ્રાન્સ
ભારતમાં હિજાબના વિવાદ વચ્ચે હાલમાં ફ્રાન્સમાં સ્પોર્ટ્સ કોમ્પિટિશન દરમિયાન હિજાબ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીએ રમતગમતના કાર્યક્રમો દરમિયાન હિજાબ જેવા ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના પક્ષે આવા કાયદા અંગેના પ્રસ્તાવને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે. વાસ્તવમાં ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશનનું માનવું છે કે મેચ દરમિયાન ખેલાડીઓએ એવું કંઈ ન પહેરવું જાેઈએ જે તેમની ધાર્મિક ઓળખ દર્શાવે. પરંતુ ફ્રાન્સની મુસ્લિમ ફૂટબોલ ખેલાડી આ પ્રતિબંધનો વિરોધ કરી રહી છે. લેસ હિજાબ્યુસેસ નામની એક સંસ્થા છે. આ ફ્રાન્સની મહિલા ફૂટબોલ ખેલાડીઓનું સંગઠન છે જે હિજાબના વિવાદ વચ્ચે મેચ રમવામાં અસમર્થ છે. નવેમ્બર ૨૦૨૧માં, આ સંગઠને ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશનના પ્રતિબંધને કાયદાકીય રીતે પડકાર્યો હતો. સંગઠનનું કહેવું છે કે આ પ્રતિબંધ ભેદભાવ પેદા કરે છે. ફ્રાન્સમાં મુસ્લિમ મહિલા ખેલાડીઓનું માનવું છે કે આ પ્રકારનો પ્રતિબંધ તેમના ધર્મ પાળવાના અધિકારમાં દખલ કરે છે. મહિલા ફૂટબોલ ખેલાડીઓનું સંગઠન લેસ હિજાબ્યુસેસ ૯ ફેબ્રુઆરીએ તેમની માંગણીઓના સમર્થનમાં ફ્રાન્સની સંસદની સામે પ્રદર્શન દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કરવા માંગતું હતું. પરંતુ સુરક્ષાના કારણોસર વહીવટીતંત્ર દ્વારા વિરોધને મંજૂરી આપવામાં આવી ન હતી. ફ્રાન્સમાં આ વર્ષે જ થોડા મહિનાઓ પછી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં હિજાબ પહેરેલી મહિલા ખેલાડીઓને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. મુસ્લિમ મહિલા ખેલાડીઓનું કહેવું છે કે તેમના અધિકારોમાં દખલ ન કરવામાં આવે તો સારું છે.