બ્રાઝિલ
બ્રાઝિલના રિયો ડી જાનેરો રાજ્યના પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને ૯૪ થઈ ગયો છે. સ્થાનિક અધિકારીઓએ જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી સામે આવી છે. વરસાદ આપત્તિજનક સાબિત થયો છે. ઘણા ઘરો ધરાશાયી થયા છે અને ઘણા લોકો લાપતા હોવાનું કહેવાય છે. લોકોને બચાવવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, આ કુદરતી આફતથી સૌથી વધુ પ્રભાવિત પેટ્રોપોલિસમાં હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અહીંના મેયર રુબેન્સ બોમટેમ્પોનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધીમાં ૨૧ લોકોને સુરક્ષિત બચાવવામાં સફળતા મળી છે. ૨૦૧૧માં ભારે વરસાદને કારણે આ પ્રદેશમાં સેંકડો લોકોના મોત થયા હતા. રાહત અને બચાવ કામગીરી વચ્ચે, ૪૯ વર્ષીય રોઝેલીન વર્જિલિયો બુધવારે રડવાનું રોકી શક્યા નહીં કારણ કે, તેણીને કાટમાળ નીચે ફસાયેલી એક મહિલાના રડવાનું યાદ આવ્યું જેને તે બચાવી શકી ન હતી. તેમણે કહ્યું, “ગઈકાલે એક મહિલા મદદ માટે બૂમો પાડી રહી હતી. મને અહીંથી બહાર કાઢો, પરંતુ અમે કંઈ કરી શક્યા નહીં. પાણી અને માટીનો કાટમાળ ધસી રહ્યો હતો. કમનસીબે આપણું શહેર બરબાદ થઈ ગયું છે.” ગવર્નર ક્લાઉડિયો કાસ્ત્રોએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે તે “યુદ્ધ જેવી સ્થિતિ” છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કાટમાળ હટાવવા માટે તેમને પડોશી રાજ્યોમાંથી ભારે મશીનરી સહિતની તમામ શક્ય મદદ મળી રહી છે. તે જ સમયે, સ્પુટનિક ન્યૂઝ એજન્સીએ મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે, લગભગ ૮૦ લોકોના મોત થયા છે, જ્યારે ૫૪ મકાનો આપત્તિથી નાશ પામ્યા છે. રશિયન સમાચાર એજન્સીએ ય્૧ બ્રોડકાસ્ટરને ટાંકીને જણાવ્યું હતું કે, સિવિલ પ્રોટેક્શન સર્વિસ દ્વારા ૨૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૩૫ લોકો ગુમ છે. રાજ્યના અગ્નિશમન વિભાગે મંગળવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં ૧૮૦ સૈનિકો સામેલ છે. વિભાગે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દિવસના ત્રણ કલાકમાં ૨૫.૮ સેમી વરસાદ નોંધાયો હતો, જે અગાઉના ૩૦ દિવસમાં પડેલા વરસાદની બરાબર છે. રશિયાની મુલાકાતે આવેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ ટિ્વટ કર્યું કે, તેમણે તેમના મંત્રીઓને વરસાદથી પ્રભાવિત લોકોને તાત્કાલિક મદદ કરવા સૂચના આપી છે.


