રશિયન સેના હવે યુક્રેનની રાષ્ટ્રીય રાજઘાની કીવ તરફ આગળ વધી રહી છે અને યુક્રેનની સેના રાષ્ટ્રીય રાજધાનીથી થોડે દૂર ઉત્તર-પશ્ચિમમાં દુશ્મન સેના સાથે ભીષણ યુદ્ધ લડી રહી છે. કીવથી લગભગ ૬૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત ઇવાન્કિવમાં નદી પરનો પુલ આજે સવારે નાશ પામ્યો હતો. યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર એન્ટોન ગેરશેન્કોએ કહ્યુ કે,આજનો દિવસ સૌથી મુશ્કેલ હશે. દુશ્મન દેશ ઇવાન્કીવ અને ચેર્નિહિવથી ટેંક હુમલો કરીને કીવમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. રશિયાએ ગઈકાલે યુક્રેન પર મિસાઈલ દ્વારા હુમલો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દિમીર ઝેલેન્સકીએ કહ્યુ કે,રશિયા દ્નારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં ૧૩૭ નાગરિકો અને સૈન્ય કર્મચારીઓ શહીદ થયા છે. રાષ્ટ્રપતિએ માર્યા ગયેલા લોકોને યોદ્ધા ગણાવ્યા છે. આ હુમલામાં સેંકડો લોકો ઘાયલ પણ થયા છે. ઝેલેન્સકીએ વધુમાં કહ્યુ કે,રશિયાએ દાવો કર્યો છે કે તે માત્ર સૈન્યના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યુ છે, પરંતુ તેણે રહેણાંક વિસ્તારો પર મિસાઇલો પણ છોડી છે. તેઓ લોકોને મારી રહ્યા છે અને શહેરી વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યા છે. આ ખૂબ ખોટું છે અને તેને ક્યારેય માફ કરવામાં આવશે નહીં. ઓડેસા ક્ષેત્રમાં લેન્ડલોક ટાપુ પરના તમામ સરહદ રક્ષકો ગઇકાલે શહીદ થયા હતા. રશિયાએ હવે આ ટાપુનો કબજાે મેળવી લીધો છે. યુક્રેનિયન સેનાએ રશિયન સૈનિકો સાથે ભીષણ યુદ્ધ પછી ચેર્નોબિલ પરમાણુ સ્થળ ગુમાવ્યુ છે. રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલિયાકે કહ્યુ કે,આ દિશામાં રશિયન સેના દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તે કહેવું અશક્ય છે કે ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત છે.યુક્રેન- રશિયા વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે. આ યુદ્ધને પગલે બંન્ને દેશોને ભારે નુકસાન થયુ છે. ત્યારે હાલ યુક્રેનની વિકટ પરિસ્થિતિને પગલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલિયાકે કહ્યુ કે, યુક્રેન રશિયા સાથે કીવના તટસ્થ રહેવાને લઇને વાતચીત કરવા તૈયાર છે, પરંતુ તેમણે સુરક્ષા અંગેની ખાતરી માગી છે. કારણકે રશિયાની સેના એક બાદ એક યુક્રેનના પ્રમુખ શહેરો પર હુમલો કરી રહયું છે. જેના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ છવાયેલો છે. તમને જણાવી દઈએ કે, યુક્રેનનો ચેર્નોબિલ વિસ્તાર પહેલેથી જ રશિયાના કબજામાં છે.
