વોશિંગ્ટન
અમેરિકન સિંગર, રેપર અને એક્ટર એરોન કાર્ટરનું ૩૪ વર્ષની વયે અવસાન થયું છે. શનિવારે કેલિફોર્નિયામાં તેના ઘરેથી જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કાર્ટરનું નામ ૨૦૦૦ની શરૂઆતના વર્ષોમાં ખૂબ જ પ્રખ્યાત થયું હતું અને તેના ટીન મ્યુઝિક લોકોને ખૂબ જ પસંદ આવતા હતાં. અહેવાલો અનુસાર, શનિવારે લગભગ ૧૧ વાગ્યે અધિકારીઓેને બાથરૂમમાં એક વ્યક્તિના ડૂબી જવાનો ઈમરજન્સી કૉલ આવ્યો હતો. જાણકારી મળતા જ હોમિસાઇડ ડિટેક્ટિવ લૉસ એંન્જલસ કાઉંટીના લંકેસ્ટરમાં, કાર્ટરના ઘરે તપાસ માટે પહોંચ્યા હતાં. પરંતુ આ મામલામાં અન્ય કોઈ વિગત સામે આવી નથી અને હજુ સુધી કોઈ ષડયંત્રની આશંકા નથી. કેલિફોર્નિયાના અધિકારીઓએ શરૂઆતમાં મીડિયાને કાર્ટરના ઘરે એક વ્યક્તિના મૃત્યુની જાણ કરી હતી, પરંતુ મૃતકની ઓળખ જાહેર કરી ન હતી. અને કાર્ટરના પ્રતિનિધિએ પણ અગાઉ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નહતી. પરંતુ કાર્ટરની મેનેજમેન્ટ કંપનીએ પાછળથી ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને પુષ્ટિ આપી કે કાર્ટર મૃત્યુ પામ્યો છે. કાર્ટરની મંગેતર મેલાની માર્ટિને પણ એસોસિએટેડ પ્રેસને સમાચારની પુષ્ટિ કરી. મેલાનીએ કહ્યું, ‘અમે હજુ પણ આ દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતાને સ્વીકારવાની પ્રક્રિયામાં છીએ.’ તેણે આગળ કહ્યું, ‘હું તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ માટે ખૂબ જ આભારી રહીશ.’ કાર્ટરે માનસિક સ્વાસ્થ્ય સાથેના તેના સંઘર્ષ વિશે ઘણી વખત જાહેરમાં કહ્યુ છે. ૨૦૧૯માં, સેલિબ્રિટી વેલનેસ ટીવી શો ‘ધ ડૉકટર્સ’ પર દવાઓથી ભરેલી બેગ બતાવતી વખતે, તેણે કહ્યું કે તેને મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અને એંગ્ઝાયટીની જાણ થતાં પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે. તેણે કહ્યુ હતું કે, ‘હું માનસિક ડિપ્રેસિવ છું.’ કાર્ટરનો વ્યસનને લઈને જૂનો ઈતિહાસ છે અને તેને ઘણી વાર રિહેબમાં પણ જવું પડ્યુ છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં કાર્ટરે એક પબ્લિકેશનને જણાવ્યુ હતું કે પોતાના દિકરા પ્રિન્સની કસ્ટડી ખોયા બાદ, તે પાંચમી વાર રિહેબમાં છે. તેણે કહ્યુ હતું કે આ વખતે તે ‘ગાંજાે છોડાવવાની મદદ’ લઈ રહ્યો છું. કાર્ટરે જણાવ્યુ કે, ‘હું હવે ગાંજાે નથી લેવા માંગતો મને જરૂર નથી.’ એરોનને પહેલીવાર ૧૯૯૦માં, પ્રખ્યાત બેન્ડ બેકસ્ટ્રીટ બૉયઝના મેમ્બર નિક કાર્ટરનો ભાઈ થવા માટે પ્રસિદ્ધી મળી હતી. પરંતુ ટૂંક સમયમાં જ કાર્ટરની પોતાની કારકિર્દી શરૂ થઈ અને ૧૯૯૭માં, ૯ વર્ષની ઉંમરે, તેનું પ્રથમ આલ્બમ ‘એરોન કાર્ટર’ ખૂબ જ લોકપ્રિય બન્યું. ૨૦૦૦માં તેનું બીજું આલ્બમ ‘એરોન્સ પાર્ટી’ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. તેની કારકિર્દીમાં આગળ, તેણે રેપમાં પણ હાથ અજમાવ્યો અને બ્રોડવે મ્યુઝિકલ્સમાં એક્ટિંગ પણ કરી.


