બુલંદશહેર
દેશની સૌથી આધુનિક અને નવી ખૂબીઓથી સજ્જ હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેન હાલમાં ઇન્ડીયન રેલવે માટે મુસીબત બની ગઇ છે. આ ટ્રેન સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં રહી. પહેલાં દિવસે ભેંસ, બીજા દિવસે ગાય સાથે ટકરાયા બાદ હવે ત્રીજા દિવસે વંદે ભારત ટ્રેનના પૈડા જામ થઇ ગયા. શનિવારે સવારે ટ્રેન નવી દિલ્હીથી વારાણસી જઇ રહી હતી. બુલંદશહેર પાસે રસ્તામાં ટ્રેનના પૈડા જામ થઇ ગયા. જાેકે ગ્રાઉન્ડ સ્ટાફે સમયસર સમસ્યાને સમજી અને તાત્કાલિક રેલવે ઓપરેટરોને સતર્ક કરી દીધા. જાણકારી મળતાં જ રેલવે ઓપરેટરોએ સવારે લગભગ ૭ઃ૨૦ વાગે બુલંદશહેરના ખુર્જા રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી લીધી. ખુર્જા સ્ટેશન નવી દિલ્હીથી લગભગ ૬૭ કિમી દૂર છે. ઓનબોર્ડ ટેકનિકલ કર્મચારીઓએ ટ્રેનના પૈડાની તપાસ કરી. બપોરે લગભગ ૧૨ઃ૪૦ વાગે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોને નવી દિલ્હીથી મોકલવામાં આવેલી શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ મુસાફરોને આગળની મુસાફરી માટે રવાના થયા. ઉત્તર મધ્ય રેલવે (એનસીઆર)ના મુખ્ય જનસંપર્ક અધિકારી હિંમાશું ઉપાધ્યાયે જણાવ્યું કે દનકૌર અને વૈર સ્ટેશનો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૨૪૩૬) ના સી-૮ કોચના પૈડા જામ થઇ ગયા હતા. જાણકારી મળતાં ટ્રેનને ૨૦ કિમી પ્રતિ કલાકની સ્પીડે ખુર્જા રેલવે સ્ટેશન લાવવામાં આવી. જ્યારે લાગ્યું કે પૈડા રિપેર નહી થાય તો ખુર્જા માટે સવારે ૧૦ઃ૪૫ વાગે નવી દિલ્હીથી શતાબ્દીને રવાના કરવામાં આવી. જેથી મુસાફરો આગળ માટે રવાના થયા. હિમાશું ઉપાધ્યાયે જણાવ્યું કે ટેક્નિકલ ખામીની જાણ પહેલાં ગેટમેન શાજેબ અને પોઇન્ટમેન બ્રજેશ કુમારને થઇ હતી. બંનેએ સ્ટેશન માસ્ટર દનકૌર બૃજેશ કુમારને સૂચિત કર્યા. બૃજેશ કુમારે ઓવરહેડ વિજળી આપૂર્તિને નિષ્ક્રિય કરીને ટ્રેનને રોકવાનું કામ કર્યું. વંદે ભારત એક્સપ્રેસની પાછળ ચાલી રહી હતી. ૧૨૪૮૮ સીમાંચલ એક્સપ્રેસને પણ વિજળીને કારણે રોકવામાં આવી. તમને જણાવી દઇએ કે આ ત્રીજી વાર છે. જ્યારે વંદે ભારત ટ્રેનમાં વિઘ્ન આવ્યું છે. સૌથી પહેલાં મુંબઇ સેંટ્રલથે ગુજરાતના ગાંધીનગર વચ્ચે ચાલનાર વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતનો શિકાર થયો છે. ગત ગુરૂવારે સવારે વટવા સ્ટેશનથી મણિનગર સ્ટેશનની વચ્ચે રેલવે લાઇન પર ભેંસ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ શુક્રવારે ગુજરાતના આણંદ સ્ટેશન પાસે એક ગાય સાથે ટક્કર થઇ હતી. જેથી ટ્રેનનો આગળના ભાગને સામાન્ય નુકસાન થયું હતું.
