કોલંબો
આઝાદી બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા દેવાળું ફુંકવાની નજીક પહોંચી ગયું છે. આ કારણે શ્રીલંકાએ તેના વિદેશી દેવાની ચુકવણી મોકૂફ રાખી છે. તેણે આ વર્ષે વિદેશી દેવાના રૂપમાં સાત અબજ ડોલર અને ૨૦૨૬ સુધી ૨૫ અબજ ડોલર ચુકવવાના છે. તેનો વિદેશી મુદ્દા ભંડાર ઘટીને એક અબજ ડોલરથી ઓછો રહી ગયો છે. તેવામાં શ્રીલંકાની પાસે આ વર્ષે વિદેશી લોન ચુકવવા જેટલા પૈસા પણ વધ્યા નથી. વિદેશી મુદ્દાની કમીએ આયાતને ખરાબ રીતે પ્રભાવિત કરી છે, લોકોને ખાવા-પીવાની વસ્તુ, ઈંધણ, રસોઈ ગેસ અને દવા માટે કલાકો સુધી રાહ જાેવી પડે છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે સહિત ગોટાબાયા અને તેમનો પરિવારનું છેલ્લા ૨૦ વર્ષમાં શ્રીલંકાના લગભગ દરેક ક્ષેત્રમાં વર્ચસ્વ રહ્યું છે. માર્ચથી રસ્તા પર ઉતરી પ્રદર્શન કરી રહેલાં લોકોએ વર્તમાન સંકટ માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે.આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકામાં લોકો સતત સરકારનો વિરોધ કરી રહ્યાં છે. પ્રદર્શનકારી પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે વર્તમાન આર્થિક સંકટને કારણે ઉભા થયેલા રાજકીય વિરોધનો હલ કાઢવા માટે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પોતાના ભાઈ મહિન્દા રાજપક્ષેને પદ પરથી હટાવવા માટે રાજી થઈ ગયા છે. તેમણે કહ્યું કે તે શ્રીલંકાના પ્રધાનમંત્રી પદ પર પોતાના ભાઈના સ્થાને કોઈ બીજા નેતાની નિમણૂક કરવા માટે તૈયાર છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ પગલાંથી પ્રદર્શનકારીઓનો ગુસ્સો શાંત થઈ શકે છે. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ અને વર્તમાન સાંસદ મૈત્રીપાલા સિરીસેનાએ રાષ્ટ્રપતિ સાથે બેઠક બાદ કહ્યુ કે, ગોટાબાયા રાજપક્ષે તે વાતથી સહમત થયા છે કે એક નવા પ્રધાનમંત્રીના નામથી એક રાષ્ટ્રીય પરિષદની નિમણૂક કરવામાં આવે. આ પરિષદ દ્વારા બનાવવામાં આવેલા મંત્રીમંડળમાં તમામ રાજકીય પક્ષોના સાંસદ સામેલ થશે. સિરીસેના, રાજપક્ષે પહેલાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા. તેઓ આ મહિનાની શરૂઆતમાં આશરે ૪૦ અન્ય સાંસદોની સાથે પાર્ટી બદલતા પહેલાં સત્તામાં રહેલી પાર્ટીના સાંસદ હતા.