સ્પેન
સ્પેનમાં આ ફેરફાર ‘વુલ્ફ પેક’ ના કેસ બાદ આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં પોતાને વુલ્ફ પેક ગણાવતા ૫ લોકોને ગેંગરેપ કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. તેમના પર આરોપ હતો કે ૨૦૧૬માં પેમ્પ્લોના બુલ રનિંગ ફેસ્ટિવલ દરમિયાન એક યુવતી પર ગેંગરેપ કર્યો હતો. તેમના સજા મામલે સ્પેનમાં મોટા પાયે વિરોધ થયો અને ૨૦૧૯માં એક અપીલ પર સુપ્રીમ કોર્ટે પાંચેય વ્યક્તિને બળાત્કાર માટે દોષિત ઠેરવી મોટી સજા ફટકારી. મહિલાઓ વિરુદ્ધ યૌન અપરાધો પર સ્પેનમાં મોટો ર્નિણય લેવાયો છે. ગુરુવારે સંસદના નીચલા ગૃહમાં એક બિલ પસાર થયું જેમાં કહેવાયું છે કે સહમતિ વગર યૌન સંબંધોને બળાત્કારની શ્રેણીમાં ગણવામાં આવશે. અત્રે જણાવવાનું કે સ્પેનમાં મહિલાઓના હકને લઈને વધી રહેલા આંદોલન અને વુલ્ફ કેસ પ્રત્યે સામાજિક આક્રોશને પગલે આ પગલું ભરવામાં આવ્યું છે. સ્પેનની સરકારે આ કાયદા દ્વારા શારીરિક શોષણ અને ઉત્પીડનના અપરાધોને બળાત્કારની શ્રેણીમાં રાખવાની પૂરેપૂરી તૈયારી કરી છે. જેને ‘ઓનલી યસ ઈઝ યસ’ નામ અપાયું છે. એવું કહેવાઈ રહ્યું છે કે હવે આ કાયદા દ્વારા પીડિતે હિંસા કે પ્રતિરોધ સાબિત કરવાની જરૂર રહેશે નહીં. મંત્રી આઈરીન મોન્ટેરોએ સાંસદોને કહ્યું કે ‘ઓનલી યસ ઈઝ યસ’ જ ફક્ત આદર્શ વાક્ય છે અને મને વિશ્વાસ છે બહેનો કે હવેથી સ્પેન તમામ મહિલાઓ માટે એક સુરક્ષિત અને સ્વતંત્ર દેશ છે. અત્રે જણાવવાનું કે ગુરુવારે આ બિલ નીચલા ગૃહમાં રજૂ થયું જેના પક્ષમાં ૧૯૫ સભ્યોએ મત આપ્યો જ્યારે ૩ સાંસદો મતદાનથી અળગા રહ્યા એટલે કે ગેરહાજર રહ્યા. આમ બિલ નીચલા ગૃહમાં પાસ થઈ ગયું. હવે બિલ ઉપલા ગૃહમાં રજૂ કરાશે. જાે અહીં પણ પાસ થઈ જાય તો તે સંપૂર્ણ રીતે કાયદો બની જશે અને દેશમાં લાગૂ થઈ જશે.