દુબઈ
ભારતીય મહિલા ટીમે શાનદાર દેખાવ કરતા ઈંગ્લેન્ડનો વન-ડે શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યો હતો. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ શ્રેણીમાં કરેલા શ્રેષ્ઠ દેખાવ બદલ તે આઈસીસી વિમેન્સ વન-ડે રેન્કિંગમાં આગળ આવી છે. કૌર ચાર સ્થાનના લાભ સાથે ટોચની પાંચ બેટર્સમાં સામેલ થઈ છે. ઈંગ્લેન્ડ સામે કેન્ટબરીમાં રમાયેલી બીજ વન-ડેમાં હરમનપ્રીત કૌરે ૧૧૧ બોલમાં ૧૪૩ રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત ઓપનર સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માના રેન્કિંગમાં પણ ફાયદો થયો હતો. મંગળવારે જાહેર થયેલા નવા રેન્કિંગમાં પૂર્વ ટોચની બેટર મંધાના એક સ્થાન આગળ વધીને છઠ્ઠા ક્રમની બેટર રહી હતી. મંધાનાએ ઈંગ્લેન્ડ સામે બે મેચમાં અનુક્રમે ૪૦ અને ૫૦ રનની ઈનિંગ રમી હતી. જ્યારે ત્રીજી વન-ડેમાં દીપ્તિએ અણનમ ૬૮ રન કરતા તે બેટર્સની યાદીમાં આઠ સ્થાનની આગેકૂચ સાથે ૨૪માં ક્રમે પહોંચી હતી. પૂજા વસ્ત્રાકર ચાર સ્થાનના લાભ સાથે ૪૯માં ક્રમે તથા હરલીન દેઓલ ૪૬ સ્થાન વધીને ૮૧માં ક્રમે રહી હતી. બોલર્સના રેન્કિંગમાં રેણુકા સિંઘે ૩૫ સ્થાનની છલાંગ લગાવી હતી અને ૩૫માં ક્રમે પહોંચી હતી. તેણે બે મેચમાં સળંગ ચાર-ચાર વિકેટ ઝડપી હતી. પૂર્વ ટોચની બોલર ઝૂલન ગોસ્વામી તેની ફેરવેલ વન-ડેમાં બે વિકેટ મેળવતા તે બોલર્સ રેન્કિંગમાં પાંચમા ક્રમ સાથે રિટાયર થઈ હતી. ઈંગ્લેન્ડની બેટર ડેની યૉટ બે સ્થાન વધીને ૨૧માં ક્રમની બેટર રહી હતી જ્યારે એમી જાેન્સ ચાર સ્થાનના ફાયદા સાથે ૩૦માં ક્રમે રહી હતી. ઓલરાઉન્ડર ચાર્લી ડીન બેટર્સમાં ૬૨માં અને બોલર્સમાં ૧૯માં ક્રમે રહી હતી. વિન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝ ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં ટોચના ક્રમે રહી હતી. તે પોતાની કારકિર્દીમાં સૌપ્રથમ વખત શ્રેષ્ઠ ક્રમે પહોંચી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં હેલીએ કુલ ૮૮ રન કર્યા હતા તેમજ પાંચ વિકેટ ઝડપી હતી જેની મદદથી વિન્ડિઝનો કિવીઝ મહિલા ટીમ સામે શ્રેણીમાં ૨-૧થી વિજય થયો હતો.


