International

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રયુ સાયમંડ્‌સનું કાર અકસ્માતમાં મોત

મેલબોર્ન
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રયુ સાયમંડ્‌સનું કાર અકસ્માતમાં મોત થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના મતે સાયમંડ્‌સ કારમાં એકલો હતો. શનિવારે મોડી રાત્રે ટાઉન્સવિલેમાં તેની કાર રસ્તા પરથી ઉતરી ગઇ હતી. સાયમંડ્‌સ ૪૬ વર્ષનો હતો. દુર્ઘટના પછી નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જાેકે તેની સ્થિતિ નાજુક હતી. ડોક્ટર તેને બચાવી શક્યા ન હતા. ટુંકા ગાળામાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટે બીજાે ક્રિકેટર ગુમાવ્યો છે. થોડા મહિના પહેલા દિગ્ગજ બોલર શેન વોર્નનું મોત થયું હતું. એલિસ રિવર બ્રિજ પાસે હર્વે રેન્જ રોડ પર સાયમંડ્‌સની કાર જઇ રહી હતી. તે સમયે રસ્તા પર કારે બેલેન્સ ગુમાવ્યું હતું અને દુર્ઘટના બની હતી. ઇજાના કારણે સાયમંડ્‌સનું મોત થયું છે. ફોરેન્સિક ક્રેશ યૂનિટ દુર્ઘટનાની તપાસ કરી રહી છે. એન્ડ્રયુ સાયમંડ્‌સ ૧૯૯૮ થી ૨૦૦૯ વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમનો સભ્ય હતો. આ દરમિયાન સ્ટિવ વો અને રિકી પોન્ટિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમ અજેય માનવામાં આવતી હતી. સાયમંડ્‌સ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૨૬ ટેસ્ટ, ૧૯૮ વન-ડે અને ૧૪ ટી-૨૦ મુકાબલો રમ્યો હતો. ટેસ્ટમાં તેના નામે ૧૪૬૨ રન, વન-ડેમાં ૫૦૮૮ અને ટી-૨૦ ૩૭૭ રન છે. ત્રણેય ફોર્મેટમાં તેણે ૧૬૫ વિકેટ ઝડપી છે. તે ફિલ્ડ પર પોતાના આક્રમક અંદાજ અને શાનદાર ફિલ્ડિંગ માટે ઓળખાતો હતો. એન્ડ્રયુ સાયમંડ્‌સ ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમનો સ્થાયી સદસ્ય રહ્યો હતો. તે રિકી પોન્ટિંગની આગેવાનીમાં ૨૦૦૩ વન-ડે વર્લ્‌ડ કપ, ૨૦૦૬માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્‌ડ કપ જીતનાર ટીમનો સભ્ય હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૦૮માં રમાયેલી સિડની ટેસ્ટ મેચ દરમિયાન આ ઓલરાઉન્ડરે દાવો કર્યો હતો કે ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ તેના પર નસ્લીય ટિપ્પણી કરી હતી અને તેને મંકી (વાંદરો) કહ્યો હતો. આ મામલાને મંકીગેટ કહેવામાં આવે છે. સાયમંડ્‌સ ઓસ્ટ્રેલિયા તરફથી પોતાની અંતિમ મેચ મે ૨૦૦૯માં રમ્યો હતો.

Andrew-Symonds-dies-in-car-accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *