અમેરિકા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાં આ દરમિયાન ઘણા દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે. જર્મની અને અમેરિકાએ સહાયતાના માર્ગ તરફ વળી રહ્યા છે, જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડને સૈન્ય સહાય માટે ૩૫૦ મિલિયન ડોલર આપવાની જાહેરાત કરી છે. બાયડને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનને ફોરેન એઈડ એક્ટ હેઠળ સહાય આપવા સૂચના આપી હતી. સહાયની રકમ યુક્રેનના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે, જેથી તેમને સૈન્ય સહાય આપી શકાય. આ મદદ અમેરિકા તરફથી ત્યારે કરવામાં આવી છે, જ્યારે યુક્રેન ભારે મુશ્કેલીમાં જાેવા મળી રહ્યું છે. યુએસ સરકારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઓફર કરી હતી કે તેઓ દેશ છોડી શકે છે, પરંતુ તેમણે તેનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. અમેરિકાને જવાબ આપતા તેમણે કહ્યું કે જાે આપવો હોય તો દારૂગોળો આપો. તેમણે કહ્યું હતું કે હું ભાગી જનારાઓમાંનો નથી. પરિસ્થિતિ ગમે તે હોય, હું દેશ છોડીને ભાગીશ નહીં. જર્મનીની સરકારે પુષ્ટિ કરી કે તેણે યુક્રેનને એન્ટી ટેન્ક મોકલવાની મંજૂરી આપી છે અને રશિયાની “સ્વિફ્ટ” બેંકિંગ સિસ્ટમ પર કેટલાક પ્રતિબંધોને સમર્થન આપ્યું છે. જર્મનીના આર્થિક અને આબોહવા મંત્રાલયે શનિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેધરલેન્ડને યુક્રેનને જર્મન બનાવટની ૪૦૦ એન્ટી-ટેન્ક હથિયારો મોકલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો એક મહત્વપૂર્ણ ઘટના છે. આનાથી યુદ્ધ પછીની આપણી સિસ્ટમને ખતરો છે. તેમણે કહ્યું કે આ સ્થિતિમાં વ્લાદિમીર પુતિનની આક્રમક સેના સામે લડવામાં યુક્રેનની મદદ કરવાની જવાબદારી અમારી છે. જર્મની યુક્રેનને ૧,૦૦૦ એન્ટી-ટેન્ક હથિયારો, ૫૦૦ ‘સ્ટિંગર’ જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો મોકલશે. તે જ સમયે, ફ્રાન્સ યુક્રેનને વધુ લશ્કરી સાધનો આપશે અને રશિયા સામે પ્રતિબંધો લાદશે.
