આઈઝોલ
મ્યાનમારના શરણાર્થી ભારતમાં તસ્કરીમાં પણ સંડોવાયેલા છે. પૂર્વોત્તરનાં ઉગ્રવાદી સંગઠનો સાથે મ્યાનમારના અમુક શરણાર્થી ભારતમાં દુર્લભ વિદેશી જીવ, ડ્રગ્સ અને વિદેશી સિગારેટ તસ્કરી કરીને લાવે છે. મ્યાનમાર સાથેની સરહદે જાેડાયેલો મિઝોરમનો ચંપાઈ જિલ્લો વન્યજીવો સહિત અન્ય વસ્તુઓની તસ્કરી માટે મુખ્ય રૂટ બની ગયો છે. મણિપુરનો મોરેહ પણ આ સિલસિલામાં ચર્ચામાં રહ્યો છે. ૨૦૨૦માં મિઝોરમમાં મ્યાનમારના માર્ગે ૨૦.૩૬ કિલો હેરોઈન પકડાયું હતું. જાેકે ૨૦૨૧માં ૩૪.૫૨ કિલો હેરોઈન પકડાયું હતું.ચાલુ વર્ષના પ્રથમ છ માસિકગાળા દરમિયાન આશરે ૨૦ કિલો હેરોઈન પકડાયું હતું. માદક પદાર્થ રાખવા અને તસ્કરી મામલે અત્યાર સુધી પકડાયેલા કુલ ૩૭૪ લોકોમાં મોટા ભાગના મ્યાનમારના નાગરિકો છે. મિઝોરમની પોલીસના ડીજી(હેડક્વાર્ટર) જાેન નેઈહલિયાએ કહ્યું કે અમુક ડ્રગ્સ રેકેટે મિઝોરમના અનેક લોકોને તસ્કરીમાં સામેલ કરી લીધા છે. મ્યાનમારના શરણાર્થીઓની સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ થનારા સ્થાનિક મિઝોરમના લોકોમાં મોટા ભાગે એવા લોકો છે જે ક્રાઈમથી કિનારો કરી ચૂક્યા છે. મિઝોરમ અને મ્યાનમારની સરહદ પરસ્પર જાેડાયેલી છે. મિઝોરમનાં સરહદી ગામડાંઓમાં રહેતા લોકો અને મ્યાનમારના આવનારા મોટા ભાગના શરણાર્થીઓ વચ્ચે જનજાતીય સંબંધ પણ છે. ચીન જેવા જનજાતીય સમૂહના પરસ્પર સંબંધો પણ છે. મ્યાનમારથી આવનારા આ લોકો મિઝોરમમાં રહેતા તેમના સંબંધીઓના નામે બેનામી જમીનો પણ ખરીદી રહ્યા છે. મ્યાનમારના શરણાર્થી ઈન્ડોનેશિયાથી લવાતા વાંદરાની પ્રજાતિ ઉરાંગઉટાંગને મિઝોરમથી બીજા સ્થળોએ ઊંચા ભાવે વેચે છે. મ્યાનમારના શરણાર્થી ભારતમાં સૂકી સોપારી, ડ્રગ્સ, કપડાં અને બર્મી સિગારેટ વગેરેની પણ તસ્કરી કરે છે. મ્યાનમારથી ભારતમાં થતી તસ્કરીને ત્યાંના સૈન્ય સરમુખત્યાર સંપૂર્ણ મદદ પૂરી પાડે છે.મ્યાનમારથી ભારતમાં એન્ટ્રી કરનારા તસ્કરોને કવર અપાય છે. તસ્કરોને બોર્ડર પણ પાર કરાવાય છે. મિઝોરમ પોલીસે ૨૦૨૧માં ડ્રગ્સની સાથે કુલ ૧૨ મ્યાનમારના નાગરિકોની ધરપકડ કરી હતી. ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં આ સંખ્યા વધીને ૩૫ થઈ ગઈ.
