આહવા
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ વધઇથી ઝાવડા તરફ જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી તથા સીસમનાં લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.પ્રસાદ રવિ રાધાક્રિષ્નાને મળેલ હતી. જે બાતમીની સૂચના ચિચીનાગાવઠા રેંજને આપી હતી. આ બાતમીનાં આધારે ચીચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ ગણેશભાઈ ભોયે તેમજ બીટગાર્ડ પંકજ જાદવ, હરીશ ચૌધરી સહિત વનકર્મીઓની ટીમે વઘઇ ઝાવડા માર્ગ પર આવેલા ચીકાર રાયકસ નાકાપર ચેકીંગ હાથ ધર્યુ હતુ. તે ચિકાર તરફથી એક શંકાસ્પદ સફેદ કલરની ટાવેરા કાર.ન.જીજે.૦૭.એ.આર.૩૯૯૦ પસાર થતી દેખાતા વનકર્મીઓએ બાતમી વાળી ટાવેરા કારનો ફિલ્મી ઢબે પીછો કરી રાયકસ ગામ નજીક આવેલ જંગલ નાકા પાસે ખાનગી ગાડી આડી કરીને ટાવેરા કારને ઝડપી પાડી હતી. અહીં લાકડા ચોરીને અંજામ આપનાર ટાવેરા ચાલક વિરપન્ન અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો. ડાંગની ચિચીનાગાવઠા વનકર્મીઓએ ટાવેરા કારની અંદર સઘન તપાસ કરતા અંદર છુપાવેલા ગેરકાયદેસર સાગી ચોરસા ૦૪ નંગ અને સીસમ ચોરસા નંગ ૦૪ જે ૦.૭૧૪ ધન મીટર જેની બજાર કિંમત ૪૮,૮૯૦ જ્યારે ટાવેરાની કિંમત રૂ.૧.૫૦ લાખ મળી કુલ ૧,૯૮,૯૮૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં ચિચીનાગાવઠા રેંજ વિભાગનાં આર.એફ.ઓ ગણેશભાઈ ભોયેએ ગેરકાયદેસર સાગી લાકડા સહિત ટાવેરાને કબ્જે કરી તસ્કરી કરનાર ભાગી છુટેલા આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. દક્ષિણ વન વિભાગ હસ્તકની રેંજ કચેરીઓમાં વિરપન્નો દિવસેને દિવસે પુષ્પરાજ ફિલ્મનું અનુકરણ કરી લાકડાનાં તસ્કરીને અંજામ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ દક્ષિણ વન વિભાગની વનકર્મીઓની ટીમો એલર્ટ રહેતા વિરપન્નોનો પુષ્પરાજનો કીમિયો હરહમેંશા નિષ્ફળ જતા ફફડાટ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની ચીચીનાગાવઠા વન વિભાગની ટીમે ચીકાર રાયકસ નજીકથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી તથા સીસમનો જથ્થો ભરેલી ટાવેરા કાર ઝડપી પાડી કુલ ૧,૯૯,૯૮૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતા વિરપન્નોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.