ઇસ્લામાબાદ
પાકિસ્તાન દેશમાં આ દિવસોમાં ૭ થી ૮ હજાર મેગાવોટ વીજળીની અછત છે. જાે ગરમી આમ જ ચાલુ રહેશે તો વીજળીનું સંકટ વધુ ઘેરી શકે છે. રાજધાની ઈસ્લામાબાદ અને રાવલપિંડી જેવા મોટા શહેરો પણ કલાકો સુધી વીજ કાપનો સામનો કરી રહ્યા છે. રમઝાન મહિનામાં પણ લોકોને કોઈ રાહત નથી. વીજળી ન મળવાને કારણે નાના-મોટા તમામ ઉદ્યોગો જાેખમમાં છે. સમાચાર એજન્સી એએનઆઈએ સ્થાનિક મીડિયાને ટાંકીને કહ્યું કે ખૈબર પખ્તુનખ્વાના ઘણા વિસ્તારોમાં દરરોજ ૧૫ કલાક વીજળી કાપવામાં આવી રહી છે. કરાચી, સિંધ અને બલૂચિસ્તાનમાં વીજળીની કટોકટીએ પણ લોકોને પરસેવો પાડી દીધો છે. જાે કે, કરાચી ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીના પ્રવક્તાએ આશા વ્યક્ત કરી છે કે ઈદ-ઉલ-ફિત્ર પછી પરિસ્થિતિ સુધરી શકે છે. એ જ રીતે ઈસ્લામાબાદ ઈલેક્ટ્રીક સપ્લાય કંપનીએ પણ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં કટોકટીનો ઉકેલ લાવશે અને વીજ ઉત્પાદન પહેલાની જેમ પુનઃસ્થાપિત કરવામાં આવશે. પરંતુ લોકો માને છે કે આ માત્ર ખાતરીઓ છે. પરિસ્થિતિ ખરેખર સુધરવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. તેમના કારણો પણ વ્યાજબી લાગે છે. પાકિસ્તાનના તમામ પાવર પ્લાન્ટ્સ ઠપ્પ થઈ ગયા છે. ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં ૩૫,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. તેમાંથી એક હજાર મેગાવોટ હાઇડલ પાવર પ્લાન્ટમાંથી, ૧૨ હજાર મેગાવોટ ખાનગી પ્લાન્ટમાંથી અને ૨૫૦૦ મેગાવોટ થર્મલ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થાય છે. ૧૫ એપ્રિલે, ઉર્જા મંત્રાલયે નવા પીએમ શાહબાઝ શરીફને જાણ કરી હતી કે ૩૫૦૦ મેગાવોટથી વધુ વીજળી ઉત્પન્ન કરતા ૯ મોટા પાવર પ્લાન્ટ ઇંધણના અભાવને કારણે અટકી ગયા છે. એલએનજીની અછતને કારણે ૪ પ્લાન્ટ બંધ છે. ૨માં ફર્નેસ ઓઈલની અછત છે. એકમાં તો કોલસાનો સ્ટોક ખતમ થઈ ગયો છે. બાકીના એક પ્લાન્ટને કોન્ટ્રાક્ટ પૂરો થવાના કારણે ગેસ મળતો નથી. આ સિવાય ૧૮ અન્ય પ્લાન્ટ ટેકનિકલ ખામીઓ અને જાળવણીના અભાવે લાંબા સમયથી કાર્યરત નથી.માત્ર ભારત જ નહીં, પાડોશી દેશ પાકિસ્તાન પણ આ દિવસોમાં વીજળીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યાંની સ્થિતિ ભારત કરતાં પણ ખરાબ છે. શહેરી વિસ્તારોમાં દૈનિક ૬ થી ૧૦ કલાકનો કાપ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં લોકો ૧૮-૧૮ કલાક વીજળી માટે તરસી રહ્યા છે. પાવર પ્લાન્ટ્સમાં ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે. યુક્રેન યુદ્ધ અને અન્ય કારણોસર ઘણા પ્લાન્ટ્સ સ્થગિત થઈ ગયા છે, જ્યારે ઘણા પ્લાન્ટ્સ ભારે બળતણ સંકટનો સામનો કરી રહ્યા છે.
