ઢાકા
ભારત-બાંગ્લાદેશ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે પણ મેચ ચાલુ છે. મીરપુરમાં દિવસના બીજા સેશનમાં બાંગ્લાદેશે બીજા દાવમાં ૭ વિકેટે ૧૯૧ રન બનાવ્યા છે. પરંતુ મેદાન પર એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બાંગ્લાદેશના એક ખેલાડી પર ટીમ ઇન્ડિયાનો પૂર્વ ક્રિક્રેટર વિરાટ કોહલી ભડક્યો હતો અને ખેલાડીને કહ્યુ હતું કે, ભાઇ એક કામ કર, શર્ટ પણ ઉતારી દે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર ઘણો આક્રમક રહે છે. બાંગ્લાદેશ સામેની મીરપુર ટેસ્ટ મેચમાં પણ આ દ્રશ્ય જાેવા મળ્યું છે. યજમાન બેટ્સમેન નઝમુલ હુસેન શંટોએ રમતના બીજા દિવસે મેદાન પર સમય બગાડવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ટેસ્ટ મેચના બીજા દિવસે સાંજના સેશનમાં બની હતી. તે સમયે બાંગ્લાદેશનો બીજાે દાવ શરૂ થયો હતો. તે સમયે મેદાન પર રોશની એટલી સારી ન હતી, એવામાં બાંગ્લાદેશના બેસ્ટમેન સમય પસાર કરવા માટે અલગ-અલગ યુક્તિઓ અપનાવતા હતા. છઠ્ઠી ઓવરના પાંચમા બોલ પછી, નજમુલ હુસૈન શંટોએ પોતાના શૂઝની દોરી બાંધવાનું શરૂ કર્યું હતું. નજુમુલની હરકતો વિરાટ કોહલીથી સહન ન થઇ અને તેના આક્રમક સ્વભાવ મુજબ વિરાટે નજમુલને સંભળાવી દીધું હતું. વિરાટ કોહલીએ પોતાની ટી-શર્ટને ખેંચીને નજમુલને ઇશારાથી કહ્યું હુતં કે ભાઇ એક કામ કર, શર્ટ પણ ઉતારી દે, સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સમય બગાડવાનું નાટક કરવાની આએકમાત્ર ઘટના નથી જ્યારે નજમુલ હુસૈન શંટોએ ક્રિઝ પર સમય બગાડવાનો પ્રયાસ કર્યો. આ પહેલા જ્યારે બાંગ્લાદેશ બીજા દાવમાં બેટિંગ કરવા ઉતર્યું હતું, ત્યારે નજમુલે પોતાનું બેટ બદલવા માટે ડગઆઉટ તરફ ઈશારો કર્યો હતો. ૧૨મો ખેલાડી બેટ લઈને મેદાન પર પણ આવ્યો, પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે નજમુલે જૂના બેટથી રમવાનું ચાલું રાખ્યું. બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પ્રથમ દાવમાં ૨૨૭ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મોમિનુલ હકે સૌથી વધુ ૮૪ રનની ઇનિંગ રમી હતી. જ્યારે નજમુલ હુસૈને ૨૪ અને લિટન દાસે ૨૫ રન બનાવ્યા હતા. ભારત તરફથી ઉમેશ યાદવ અને આર. અશ્વિને શાનદાર બોલિંગ કરી અને ચાર-ચાર ખેલાડીઓને આઉટ કર્યા. જવાબમાં ભારતે પણ પ્રથમ દાવમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી અને ૧૦૦ રનની અંદર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જાે કે એ પછી રિષભ પંત અને શ્રેયસ ઐય્યરે બાજી સંભાળી હતી અને ભારતનો સ્કોર ૩૧૪ પર મુક્યો હતો. રિષભે ૯૩ અને શ્રેયસે ૮૭ રન કર્યા હતા.બંને ખેલાડીઓની શાનદાર રમતને કારણે ભારતે બાંગ્લાદેશને ૮૭ રનની લીડ આપી હતી. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશના ૭ વિકેટે ૧૯૧ રન બન્યા છે
