National

શ્રીલંકા નેધરલેન્ડને ૧૬ રને હરાવીને સુપર ૧૨માં પહોંચ્યું

જીલોંગ
શ્રીલંકાએ વિક્ટોરિયા ખાતે ગુરુવારે રમાયેલા ટી૨૦ મુકાબલામાં નેધરલેન્ડને ૧૬ રને હરાવીને સુપર ૧૨ રાઉન્ડમાં ક્વોલિફાય કરી લીધુ છે. એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા તેનો પ્રારંભિક મુકાબલો નામિબિયા સામે હારી ગયું હતું અને તેને પગલે તેના સુપર ૧૨માં પહોંચવા સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો પરંતુ પ્રથમ રાઉન્ડની અન્યે બે ગ્રુપ મેચમાં શ્રીલંકાએ શાનદાર કમબેક કર્યું હતું. નેધરલેન્ડ સામે શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં છ વિકેટે ૧૬૨ રન કર્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૪૬ રન કરી શકી હતી. કુસલ મેન્ડિસે ૪૪ બોલમાં તોફાની ૭૯ રન ફટકારતા શ્રીલંકા સન્માનજનક સ્કોર ઉભો કરી શક્યું હતું. શ્રીલંકા તરફથી બેટિંગ બાદ બોલિંગમાં પણ દમદાર દેખાવ કરવામાં આવ્યો હતો. વાનિંદુ હસારંગાએ તેના ક્વોટાની ઓવરમાં ૨૮ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી જ્યારે મહેશ થીકસાનાએ ૩૨ રનમાં બે વિકેટ ઝડપી હતી. નેધરલેન્ડના ઓપનર મેક્સ ઓ ડોવ્ડએ લડાયક ૭૧ રનની અણનમ ઈનિંગ રમી હતી પરંતુ ટોચના બેટ્‌સમેનોને બાદ કરતા ટીમના અન્ય ખેલાડીઓ નિષ્ફળ જતા નેધરલેન્ડનો પનો ટૂંકો પડ્યો હતો. નેધરલેન્ડે ૧૫મી ઓવરમાં ૧૦૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી પરંતુ ત્યારબાદ લોઅર મિડલ ઓર્ડર ધરાશયી થતાં ૪૬ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. ડેથ ઓવર્સમાં નેધરલેન્ડને વધુ વિકેટો ગુમાવવી ભારે પડી હતી. શ્રીલંકાના વિકેટકીપર બેટ્‌સમેન કુસલ મેન્ડિસે ૪૪ બોલમાં પાંચ ચોગ્ગા અને તેટલા જ છગ્ગા સાથે ૭૯ રનની મહત્વની ઈનિંગ રમી હતી. ઓપનર નિસંકા (૧૪) અને ધનંજય (શૂન્ય)ની ઝડપથી વિકેટ ગુમાવતા શ્રીલંકા પર સંકટ ઘેરાયું હતું. જાે કે અસાલંકા (૩૧)એ મેન્ડિસ સાથે ત્રીજી વિકેટ માટે ૬૦ રનની ભાગીદારી કરી હતી. રાજપક્ષેએ ૧૯ રનનું યોગદાન આપ્યું હતું. ડચ બોલર મીકેરેન અને ડી લીડેએ બે-બે વિકેટ ઝડપી હતી. ગ્રુપ એમાં શ્રીલંકા ત્રણ પૈકીની બે મેચમાં જીત સાથે ચાર પોઈન્ટ મેળવીને સુપર ૧૨માં પહોંચવામાં સફળ થયું છે. જ્યારે નેધરલેન્ડની ટીમ પણ ચાર પોઈન્ટ ધરાવે છે. યુએઈ સામે નામિબિયાનો પરાજય થતા નેધરલેન્ડ નેટ રન રેટના આધારે સુપર ૧૨માં ક્વોલિફાય થયું છે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *