પૌરાણિક ધર્મગ્રંથોમાં સોનાની લંકા તરીકે પ્રચલિત એવું દ્વીપ-રાષ્ટ્ર શ્રીલંકા હાલમાં તેની સ્વતંત્રતા પછીના ઈતિહાસમાં સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ દ્વીપ-રાષ્ટ્રના રાજકીય નેતૃત્વ દ્વારા દાવા કરવામાં આવે છે તે મુજબ આ કટોકટી વર્ષ ૨૦૧૯ના એપ્રિલ મહિનામાં થયેલા ઈસ્ટર બોમ્બ હુમલા કે વર્ષ ૨૦૨૦ના પ્રારંભે ફેબ્રુઆરી મહિનામાં ફાટી નીકળેલી મહામારી કોરોનાને કારણે સર્જાઈ નથી. એ બાબત ચોક્કસ સ્વીકારી શકાય કે આ બે આંચકાઓને કારણે આ દેશની પ્રવાસન પ્રવૃત્તિઓમાં ભારે પ્રમાણમાં ઘટાડો નોંધાતા અહીંના પ્રવાસન ઉદ્યોગને સખત મારનો સામનો કરવો પડ્યો છે. તેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો ચોક્કસ આવ્યો છે, પરંતુ અહીંની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનો હિસ્સો અલ્પ પ્રમાણમાં હોય છે. અહીંની અર્થવ્યવસ્થામાં પ્રવાસન ઉદ્યોગની એકંદર વાર્ષિક આવક આશરે ૪ બિલિયનના સ્તરે છે, પરંતુ તે પ્રાદેશિક મૂલ્યમાં અંદાજે ૨૦-૩૦ ટકાનો ઉમેરો કરે છે. આમ, અહીંની વાસ્તવિક જીડીપીમાં તેનો હિસ્સો આશરે ૧.૫ ટકા જેટલો જ છે. આમ, વર્તમાન ગંભીર કટોકટી કંઈ અચાનક જ ચડી આવી નથી, પરંતુ વર્ષ ૨૦૧૨થી જ શ્રીલંકાએ જેની અનુભૂતિ કરવાની શરૂઆત કરી હતી તેવી વિકાસની ધીમા બગાડની પરાકાષ્ઠાને આભારી છે.
શ્રીલંકામાં ચોખાની કિંમત અહીંના રૂપિયામાં કિલોગ્રામ દીઠ રૂા. ૫૦૦ પર, ૪૦૦ ગ્રામનો મિલ્ક પાવડર રૂા. ૭૯૦, ખાંડની કિંમત પ્રતિ કિલો રૂા. ૨૯૦ના સ્તરે પહોંચી છે. મિલ્ક પાવડરમાં આવેલો રૂા. ૨૫૦નો આ ઉછાળો માત્ર ત્રણ દિવસના ગાળામાં આવ્યો હોવાનું તારણ છે. જીવન-જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા આ રાષ્ટ્ર હાલના દાયકામાં અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકા ખાદ્યાન્ન, દવાઓ, મિલ્ક પાવડર, રાંધણ ગેસ અને ફ્યુલ જેવી જીવન-જરૂરી ચીજવસ્તુઓની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. કોલંબોમાં હેર અને મેકઅપ આર્ટિસ્ટની કામગીરી કરી રહેલી શિરીન સિલ્વાને તેના પરિવારની દૈનિક જરૂરીયાતોને પહોંચી વળવામાં ભારે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. બે બાળકોની માતા સિલ્વા જણાવે છે કે ચા બનાવવા માટે તાજું દૂધ કે મિલ્ક પાવડર પણ નથી. બેબી મિલ્ક ફોર્મ્યુલાના ભાવ અતિશય વધી ગયા છે. સિલ્વા ઉમેરો કરતા જણાવે છે કે હાલમાં અમારા ખોરાકમાં રેશન કરવાની ફરજ પડી હોવાથી યુદ્ઘ હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
આ દ્વીપ-રાષ્ટ્રમાં છૂટક ફુગાવો આજે વધીને ૧૮.૭ ટકાના સ્તરે પહોંચ્યો છે. અહીં ફ્યુલની લાંબી કતારોમાં રાહ જાેતાં લોકો મૃત્યુ પામતા હોવાની ઘટના તાદ્દશ્ય થઈ રહી છે, અને અહીં કાગળ અને શાહીની આયાત કરવા માટેના ડૉલર્સની અછત સર્જાતાં સત્તાધિશોએ શાળાઓની પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. અને હવે આ અર્થવ્યવસ્થાની અવ્યવસ્થાઓની છાલકોની અનુભૂતિ ભારતમાં પણ થઈ રહી હોવાનું જણાય છે. ભૂખમરા અને રોજગારી ગુમાવવાને કારણે આ દ્વીપ-રાષ્ટ્રના લોકો હવે ભારતમાં શરણાર્થી બનવા તૈયારી કરી રહ્યા છે, જેમાં તેનો પડોશી દેશ એવા આરણે મદદ કરવાના ઉત્તમ પ્રયાસો કરી રહ્યા છીએ. ભારતે છેલ્લા ત્રણ મહિનામાં શ્રીલંકાને ૨.૪ બિલિયન ડોલર સ્વરૂપે આર્થિક સહાય પૂરી પાડી છે, તેમાં ૪૦૦ બિલિયન ડોલરની રિઝર્વ બેંકના ચલણની આપલે, ૫૦૦ મિલિયનના મૂલ્યની લોન તેમજ ફ્યુલ, ખોરાક અને દવાઓની આયાત માટેની ૧.૫ બિલિયન ડૉલરની ક્રેડિટ લાઈનને લંબિત કરવા વગેરેનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ બેઈલઆઉટ ઉપરાંત દક્ષિણના આ પડોશી રાષ્ટ્રે ચીન પાસેથી ૨.૫ બિલિયન ડૉલરની ક્રેડિટ સહાય માંગી છે. દૈનિક વીજ કાપ અને ફેબ્રુઆરી મહિનામાં ૧૭.૫ ટકાના મહત્તમ સ્તરને સ્પર્શેલા દ્વિ-અંકીય ફુગાવા જેવા સંકટોનો સામનો હાલમાં આ દ્વિપ-રાષ્ટ્ર કરી રહ્યું છે.
શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે એક મહિનામાં પ્રાદેશિક ચલણનું ૩૦ ટકાના દરે અવમૂલ્યન કરવાની મંજૂરી આપી છે. આ કટોકટી મુખ્યત્વે વિદેશી વિનિમય અનામત (ફોરેન એક્સચેન્જ રિઝર્વ)ની અછતને કારણે સર્જાઈ છે. ફેબ્રુઆરી મહિનાના અંતે છેલ્લા બે વર્ષમાં તેની સ્થિતિમાં ૭૦ ટકાનો ઘટાડો નોંધાતાં આ અનામત માત્ર ૨ બિલિયન ડૉલરના સ્તરે પહોંચી હતી. આ દરમિયાન આ રાષ્ટ્રના વિદેશી દેવાની જવાબદારીઓ આ વર્ષે આશરે ૭ બિલિયન ડૉલર પર પહોંચી છે. તેની વિદેશી વિનિમય અનામતો અત્યંત ઝડપથી અવક્ષય પામી રહી છે. આ દેશ માટે જીવન-જરૂરી ચીજવસ્તુઓની આયાત કરવું વધુને વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. આ દ્વિપ-રાષ્ટ્ર તેનું ભૂતકાળનું દેવું ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી. શ્રીલંકાની વર્તમાન અનામતોનું મૂલ્ય માત્ર એક મહિનાની માલસામાનની આયાતો જેટલું જ ચૂકવી શકાય તેટલી માત્રામાં છે. વિદેશી હૂંડીયામણમાં અછતનું તાત્પર્ય એવું થાય કે સંબંધિત રાષ્ટ્ર ફ્યુલ, ખાદ્યાન્ન અને દવાઓ જેવી જીવન-જરૂરી ચીજવસ્તુઓની આયાત અને ચૂકવણી કરવામાં ભારે સંઘર્ષનો સામનો કરી રહ્યું છે.
તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર ૨.૨૦ કરોડ લોકોની વસતી ધરાવતું આ દ્વીપ-રાષ્ટ્ર વીજ બચત કરવા માટે તેની સ્ટ્રીટ લાઈટ્સ બંધ કરવા જઈ રહ્યું છે. દાયકાઓમાં સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલું શ્રીલંકા વધુ વીજ કાપ લાવ્યું છે અને અહીં તેના મુખ્ય શેર બજાર પર ટ્રેડિંગ પણ અટકાવી દેવામાં આવ્યું છે.
વિદેશી વિનિમયની આ કટોકટી અનેકવિધ પરિબળોને પરિણામે સર્જાઈ છે. આ દેશમાં ત્રીજી સૌથી વધુ વિદેશી વિનિમયની કમાણી કરી આપતું પરિબળ પ્રવાસનનું છે. વર્ષ ૨૦૧૯માં ઈસ્ટર સનડે દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ આ ઉદ્યોગ સ્થગિતતાનો સામનો કરી રહ્યો છે. તેના પછી પ્રવાસીઓના આગમનમાં આશરે ૭૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો અને ત્યારબાદ કોરોના મહામારી ત્રાટકતાં દેશના પ્રવાસન ઉદ્યોગને ગંભીર ફટકો પહોંચ્યો.
