કેન્ટબરી
ભારતની મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ઝંઝાવાતી બેટિંગનું પ્રદર્શન કરતા ૧૪૩ રનની અણનમ ઈનિંગ રમી હતી. હરમનપ્રીતનો વન-ડેમાં આ બીજાે સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. અગાઉ તેણે ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામે ડર્બીમાં ૧૭૧ રનની અણનમ ઈનિંગનો સર્વોચ્ચ વન-ડે સ્કોર કર્યો હતો. હરમનપ્રીત કૌરની આતશબાજીની મદદથી ભારતીય વિમેન્સ ટીમે બીજી વન-ડેમાં ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૩ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ભારતીય ટીમ દ્વારા ઈંગ્લેન્ડ સામે આ સૌથી મોટો સ્કોર રહ્યો છે તથા મહિલા વન-ડે ક્રિકેટમાં બીજાે સર્વોચ્ચ સ્કોર છે. કૌરે ૧૧૧ બોલમાં ૧૮ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેણે હરલીન (૫૮) સાથે ચોથી વિકેટ માટે ૧૧૩ રનની ભાગીદારી નોંધાવી હતી. અગાઉ ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાએ ૪૦ રન કર્યા હતા જ્યારે યાસ્તિકા ભાટિયાએ ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ વિમેન્સ ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી.
