ઇસ્લામાબાદ
ઈમરાન ખાનના સમર્થકોએ મંગળવારે પાકિસ્તાનમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને મુખ્ય ચૂંટણી કમિશનરના કથિત પક્ષપાતી વર્તન બદલ તેમના રાજીનામાની માંગણી કરી. ઈમરાન ખાન સરકારના કાર્યકાળ દરમિયાન પૂર્વ અમલદાર સિકંદર સુલતાન રાજાને પાકિસ્તાનના ચૂંટણી પંચના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાે કે, હવે ખાને તેમના પર પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે આરોપોને નકારી કાઢ્યા છે. ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકરોએ અન્ય શહેરોમાં કરાચી, લાહોર, ઈસ્લામાબાદ, પેશાવર, ગુજરાત અને ફૈસલાબાદમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર પ્રદર્શન કર્યું. મુખ્ય રેલી ઈસ્લામાબાદમાં કમિશનના કાર્યાલયની બહાર યોજાઈ હતી, જ્યાં વિરોધીઓએ ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને શનિવારે જાહેરાત કરી હતી કે તેમણે તેમની પાર્ટીના સમર્થકોને મેના છેલ્લા સપ્તાહમાં રાજધાની ઈસ્લામાબાદ તરફ કૂચ કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. ખાને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની કોર કમિટીની બેઠક બાદ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. ખાને વીડિયો સંદેશમાં કહ્યું કે, આ અપીલ માત્ર તેમની પાર્ટી માટે જ નહીં પરંતુ સમગ્ર પાકિસ્તાન માટે છે. ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે તેમણે આ અપીલ એટલા માટે કરી છે કારણ કે દેશને બદનામ કરવામાં આવ્યો છે અને વિદેશી ષડયંત્ર દ્વારા સૌથી ભ્રષ્ટ લોકોને સત્તાના ટોચ પર મૂકવામાં આવ્યા છે. તેમણે વડા પ્રધાન શેહબાઝ શરીફની પણ ટીકા કરી હતી, અને કહ્યું હતું કે તેમને “ગુના પ્રધાન” કહેવામાં આવે છે કારણ કે કેબિનેટના ૬૦ ટકા સભ્યો જામીન પર બહાર છે.
