હૈદરાબાદ
તેલંગણાની રાજધાની હૈદરાબાદના એક ભીડવાળા વિસ્તારમાં એવી ઘટના સામે આવી છે, જેને જાેઈને તમે પણ વિચારતા થઈ જશો. શુક્રવારે અહીં અચાનક એક વ્યસ્ત રોડ ફાટી ગયો અને અંદર ઘુસી ગયો. રસ્તા પર ઉભેલી ગાડીઓ અને રેકડીઓ અંદર દબાઈ ગઈ હતી. ઘટના સામે આવ્યા બાદ અફરા-તફરી મચી ગઈ અને લોકો ભાગવા લાગ્યા હતા. વાસ્તવમાં આ ઘટના હૈદરાબાદના ગોશામહલ વિધાનસભાની છે. અહીંના ચંદનવાડી વિસ્તારમાં ગટરને અડીને આવેલો રસ્તો અચાનક ફાટ્યો હતો અને ખાડામાં ખાબક્યો હતો. રસ્તામાં ખાબકતાની સાથે જ તેના પર ઉભેલા ઘણા વાહનો અને ઘણી ગાડીઓ તેમાં દટાઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ત્રણ લોકોને થોડી ઈજા પણ થઈ છે. જાે કે આ સિવાય કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટના બાદ ગભરાટ ફેલાયો હતો અને લોકો એકબીજાનો બચાવ કરવા લાગ્યા હતા. બીજી તરફ, ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી અને લોકોને સમજાવ્યું કે આ ઘટના ગટરમાં ડૂબી જવાને કારણે બની છે. આ રોડ ગટર ઉપર જ બનાવવામાં આવ્યો હતો. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે અને કોર્પોરેશનના અધિકારી મામલાની તપાસ કરી રહ્યાં છે, તેમણે સ્થિતિ નિયંત્રણમાં કરી લીધી છે. રસ્તામાં ઘુસ્યા બાદ લોકો પોતાના વાહનો કાઢી રહ્યાં છે. હાલ તો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


