ત્રિપુરા
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે પોતાનુ રાજીનામુ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને સોંપી દીધુ છે. શુક્રવારે તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તો થોડા સમયમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં નવા મુખ્યમંત્રીની ચર્ચા થશે. તો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને ત્રિપુરાના પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવા પર બિપ્લબ દેબે કહ્યુ કે તેમના માટે પાર્ટીનો ર્નિણય સર્વોપરિ છે. પાર્ટી હાઈકમાન્ડના કહેવા પર તેમણે પદ છોડી દીધુ છે. હવે તે પાર્ટીના સિપાહી તરીકે કામ કરતા રહેશે. પરંતુ નવા મુખ્યમંત્રી કોણ હશે તેનો કોઈ જવાબ આપ્યો નહીં. બિપ્લબ દેબને લઈને સંગઠનમાં નારાજગી ચાલી રહી હતી. બે ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. વિધાનસભા ચૂંટણીને જાેતા ભાજપ કોઈ જાેખમ લેવા ઈચ્છતુ નથી. મહત્વનું છે કે રાજ્યમાં ૨૦૨૩માં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જેમ ત્રિપુરાના મંત્રીમંડળમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે. રાજીનામા બાદ મુખ્યમંત્રી સંગઠનમાં કોઈ પદ સંભાળી શકે છે. બિપ્લબ દેબ વિરુદ્ધ પાર્ટીમાં સતત નારાજગી જાેવા મળી રહી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેમની વિરુદ્ધ દિલ્હીમાં સતત ફરિયાદ કરી રહ્યા હતા. આગામી વર્ષે રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, તેને જાેતા ભાજપે બિપ્લબ દેબને હટાવવાનો ર્નિણય કર્યો છે. ૨૦૧૮ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં પ્રથમવાર સરકાર બનાવી હતી. ત્યારે બિપ્લબ દેબને પ્રદેશની કમાન સોંપવામાં આવી હતી. હવે અહીં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે.
