National

થાઈલેન્ડને ૭૪ રને હરાવીને ભારત મહિલા એશિયા કપની ફાઈનલમાં પહોચી

સિલહટ
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે થાઈલેન્ડને ૭૪ રને હરાવીને રેકોર્ડ આઠમી વખત મહિલા એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતીય મહિલા ટીમ અત્યાર સુધીમાં છ વખત એશિયા કપમાં વિજેતા રહી છે. ૨૦૧૨ પૂર્વ આ ટૂર્નામેન્ટ વન-ડે ફોરમેટમાં યોજાતી હતી પરંતુ હવે ટી૨૦ ફોરમેટમાં પણ રમાડવામાં આવે છે. ભારત ચાર-ચાર વખત બન્ને ફોરમેટની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. ગુરુવારે ભારત અને થાઈલેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મેચ એકતરફી મુકાબલો બની રહી હતી. ભારતે નિર્ધારિત ઓવરમાં છ વિકેટે ૧૪૮ રન કર્યા હતા. જવાબમાં થાઈલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ફક્ત ૭૪ રન જ કરી શકી હતી. થાઈલેન્ડની બેટર્સમાં આત્મવિશ્વાસનો અભાવ જણાતો હતો. નિયમિત અંતરે વિકેટો ગુમાવતા થાઈલેન્ડનો ભારત સામે ૭૪ રને પરાજય થયો હતો. અગાઉ ગ્રુપ મેચમાં પણ ભારતનો થાઈલેન્ડ સામે નવ વિકેટે વિજય થયો હતો. થાઈલેન્ડની ટીમે સેમિફાઈનલમાં ભારત સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. તેણે આઠમાં ઓવરમાં ૨૧ રન પર ચાર વિકેટ ગુમાવી હતી. ભારતની ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ સાત રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રેણુકા સિંઘે છ રન આપીને એક વિકેટ લીધી હતી. થાઈલેન્ડની કેપ્ટન એન ચાઈવાઈ અને નતાયા બૂચાથમે ૨૧-૨૧ રન કર્યા હતા. રાજેશ્વરી ગાયકવાડે ઉપરા ઉપરી બે વિકેટ ઝડપીને હેટ્રિકની કગારે પહોંચી હતી પરંતુ તે તેમાં સફળ રહી નહતી. શેફાલી અને સ્નેહે એક-એક વિકેટ મેળવી હતી. ભારત ટોસ હારતા પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. પ્લેયર ઓફ ધ મેચ શેફાલીએ ૨૮ બોલમાં ૪૨ રન કર્યા હતા અને એક વિકેટ મેળવી હતી. જેમિમાએ ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ઈજાને પગલે બે મેચમાં બહાર રહેલી કેપ્ટન હરમનપ્રીત કૌરે ૩૦ બોલમાં ૩૬ રન કર્યા હતા. વસ્ત્રાકરે ૧૭ રનની ઈનિંગ રમતા ભારત ૧૫૦ રનની નજીક પહોંચ્યું હતું જે થાઈલેન્ડ જેવી નબળી ટીમ સામે રક્ષણાત્મક સ્કોર હતો. થાઈલેન્ડ તરપથી ટિપ્પોચે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી જ્યારે બૂચાથમ, માયા અને પૂથ્થઆવોંગે એક-એક સફળતા અપાવી હતી.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *