ગોવાહાટી
આરએસએસના વડા મોહન ભાગવતે એવી અપીલ પણ કરી છે કે દેશના દરેક નાગરિકે તમામ પ્રકારના મતભેદોને છોડી દઈને રાષ્ટ્રના હિત માટે અને તેના વિકાસ માટે કામ કરવું જાેઈએ અને આપણે રાષ્ટ્ર માટે બધું જ કરી છૂટવા તૈયાર રહેવું જાેઈએ. આસામમાં સંઘ પરિવારની કાર્યકર્તા શિબિરને સંબોધન કરતી વખતે મોહન ભાગવતે કહ્યું હતું કે હવે એવો સમય આવી ગયો છે કે દેશના દરેક ગામમાં આરએસએસ ની શાખા હોવી જાેઈએ અને તેના દરેક સભ્ય એ દેશની પ્રગતિ માટે પ્રયાસ કરતા રહેવું જાેઈએ. દરેક ગામમાં શાખા હોવી જાેઈએ તેનું કારણ એ છે કે સમગ્ર સમાજે પોતાના માટે કામ કરવાનો અવસર આપ્યો છે અને એટલા માટે સ્વયંસેવકોએ આગળ વધીને સમાજનું નેતૃત્વ કરવું જાેઈએ. રાષ્ટ્રનો વિકાસ દરેક નાગરિકતા માટે પ્રાથમિકતા હોવો જાેઈએ અને તેના માટે દરેક પ્રકારના મતભેદો બધા જ નાગરિકોએ દૂર કરી દેવા જાેઈએ. સંઘના સંસ્થાપક ડોક્ટર હેડગેવારને યાદ કરીને મોહન ભાગવતે કહ્યું હતું કે એમણે ૧૯૨૫ માં માનવ સંસાધન વિકસિત કરવાના હેતુથી આર.એસ.એસ ની સ્થાપના કરી હતી અને એટલા માટે જ આપણા વિચારોમાં મતભેદ હોઈ શકે છે પરંતુ દિમાગમાં મતભેદ હોવા જાેઈએ નહીં અને દરેક નાગરિકે આ પ્રકારનું વલણ અપનાવવું જાેઈએ. એમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે નબળો સમાજ રાજકીય સ્વતંત્રતાનો આનંદ લઈ શકતો નથી જાેકે એમણે રાજકીય સ્વતંત્રતા સાથે એમનો મતલબ શું છે તેની કોઈ છણાવટ કરી ન હતી અને દેશના દરેક ગામમાં સંઘ પરિવારની શાખા હોવી જાેઈએ તેવું સૂચન કર્યું હતું.
