અમૃતસર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બાબા બકાલા ખાતે રક્ષાબંધન પૂર્ણિમા કાર્યક્રમમાં સામાન્ય જનતાના હિતમાં અનેક જાહેરાતો કરી હતી. તેમણે કહ્યુ કે અમારી સરકાર ગામડાના રસ્તાઓને અપગ્રેડ કરશે. તેમજ મંડીઓની હાલત પણ સુધીરશે. આ દરમિયાન મુખ્યમંત્રીએ અગાઉની સરકારો પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે કોંગ્રેસ અને અકાલી-ભાજપ સરકારોએ પંજાબ માટે કંઈ કર્યુ નથી. હવે જનતાના એક-એક પૈસાનો હિસાબ થશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્યમાં ઘણા રસ્તાઓ સારા નથી. હવે ગામડાના રસ્તાઓને અપગ્રેડ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે મંડીઓમાં પણ સુધારો કરવામાં આવશે. તેમણે કહ્યુ કે અન્ય રાજ્યોમાંથી ડાંગર લાવીને પંજાબની મંડીઓમાં વેચવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે ટ્રકોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. દિલ્લી પ્રવાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે અમે જ્યારે પણ દિલ્લી જઈએ છીએ ત્યારે લોકો માટે કંઈક લઈને આવીએ છીએ પરંતુ તે પહેલા કેપ્ટન અમરિંદર સિંહ અને ચરણજીત સિંહ ચન્ની દિલ્લી જતા હતા તે માત્ર સોનિયા ગાંધીને મળવા જતા હતા. મુખ્યમંત્રીએ કહ્યુ કે અમારી સરકાર હેઠળ પંજાબમાં ૧૬ મેડિકલ કોલેજાે ખોલવામાં આવશે. પંજાબમાં અગાઉ ૯ મેડિકલ કોલેજ છે. ૧૬ નવી કોલેજાે ઉમેરીને કુલ ૨૫ કોલેજાે બનશે. આ પછી એક મેડિકલ કોલેજ ચોક્કસપણે દરેક જિલ્લાને મળશે એમ તેમણે જણાવ્યુ હતુ. મેડિકલ એજ્યુકેશન માટે વિદેશ જવાની જરૂર નહિ પડે. આ ઉપરાંત બે કમ્યુનિટી કોલેજાે પણ ખોલવામાં આવશે. જેમાં એક મલેરકોટલા ખાતે મેડિકલ કોલેજ અને બીજી કલાનૌરમાં એગ્રીકલ્ચર કોલેજ હશે. તેમણે કહ્યુ કે ગ્રામીણ વિકાસ ફંડના રૂ. ૧૭૬૦ કરોડ કેન્દ્ર સરકારે એમ કહીને રોકી દીધા છે કે અગાઉની સરકારના મુખ્યમંત્રી રહેલા કેપ્ટન અમરિન્દર સિંહે તેના હેઠળના નાણાં અન્યત્ર ખર્ચ્યા હતા. આ અંગે તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે જે પૈસા જે ખર્ચ કરવા મોકલવામાં આવશે તેને ત્યાં જ ખર્ચ કરવામાં આવશે. આ પછી કેન્દ્ર સરકારે ૧૭૬૦ કરોડ રૂપિયા જાહેર કરી દીધા છે. આ નાણા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે જ ખર્ચવામાં આવશે.
