ઇસ્લામાબાદ
પાકિસ્તાનના લોકો માટે આ સમયે પૂરની સમસ્યા આફતની જેમ આકાશમાંથી વરસી રહી છે. પૂરના કારણે દેશમાં અત્યાર સુધીમાં ૩૪૩ બાળકો સહિત ૯૩૭ લોકોના મોત થયા છે. આ દરમિયાન, ખૈબર પખ્તુનખ્વામાંથી પૂરનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં પૂરે સ્વાત જિલ્લામાં તબાહી મચાવી હતી. શહેરમાં પૂરના કહેરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૂર તેની સાથે એક આલીશાન હોટલને પણ ધ્વસ્ત કરી દે છે. પૂરને કારણે ખૈબર પખ્તુનખ્વામાં સ્થિતિ ખરાબથી વધારે ખરાબ થઈ ગઈ છે. સરકારે જિલ્લામાં ઈમરજન્સી જાહેર કરી છે. સ્વાત શહેરમાં ચાલી રહેલા પૂરના વિનાશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે પૂરના કારણે હનીમૂન હોટેલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. પૂરની ઝપેટમાં આવ્યા બાદ હોટલનો સ્ટાફ અને ત્યાં હાજર તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ હોટલ થોડા દિવસો પહેલા જ બનાવવામાં આવી હતી અને તે શહેરની સૌથી મોટી અને સૌથી મોંઘી હોટેલોમાંની એક હતી. ખૈબર પખ્તુનખ્વાના કેટલાક ભાગોમાં અચાનક ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે ભારે નુકસાન થયું છે. પૂરના કારણે ઘર, પાક અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે. સ્વાત, દીર અને ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં વીજળી પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. પૂરના પાણીએ લગભગ ૧૦૦ ઘરોને નુકસાન પહોંચાડ્યું, ૫૦ થી વધુ પ્રાણીઓ તણાઈ ગયા અને ઘણી મસ્જિદો અને પુલોને નુકસાન પહોંચાડ્યું છે. કેપીના રાહત, પુનર્વસન વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ મુજબ સ્વાતમાં ૩૦ ઓગસ્ટ સુધી ઈમરજન્સી લાગુ રહેશે. પૂરની સ્થિતિને લઈને જિલ્લા વહીવટીતંત્રનો દાવો છે કે મટ્ટા, સુખારા અને લાલકોમાં પુલ તૂટી પડ્યા છે. આ ઉપરાંત મિંગોરા બાયપાસ પરની અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે મિંગોરા બાયપાસ રોડને પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
