ઇસ્લામાબાદ
પાકિસ્તાન સરકારે છેલ્લા ૨૦ દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૮૪ રૂપિયા જેટલો વધારો કર્યો છે. પેટ્રોલિયમ ઉત્પાદોના ભાવમાં વધુ એકવાર વધારો કરવાના કારણો જણાવતા મંત્રીએ કહ્યું કે પેટ્રોલની આંતરરાષ્ટ્રીય કિંમત ૧૨૦ ડોલર પ્રતિ બેરલ હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘આપણે દેશ હાલ પેટ્રોલમાં ૨૪.૦૩ રૂપિયા, ડીઝલમાં ૫૯.૧૬ રૂપિયા, કેરોસિનમાં ૨૯.૪૯ રૂપિયા અને લાઈટ ડીઝલ ઓઈલમાં ૨૯.૧૬ રૂપિયાનું નુકસાન ઝેલી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલની સબસિડી પર ૧૨૦ અબજ રૂપિયા ખર્ચી રહી છે. વધુમાં કહ્યું કે હું ૩૦ વર્ષથી દેશની હાલત જાેઈ રહ્યો છું પરંતુ મોંઘવારી મુદ્દે આવી સ્થિતિ મે ક્યારેય જાેઈ નથી.’પાડોશી દેશ પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલનો ભાવ આકાશે આંબી ગયો છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં વળી પાછા પેટ્રોલના ભાવમાં કમરતોડ વધારો કરાયો છે. પ્રતિ લીટર ૨૪ રૂપિયા ભાવ વધારો થતા પેટ્રોલનો ભાવ ૨૩૩.૮૯ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. પાકિસ્તાનની સરકારે બુધવારે જાહેરાત કરતા કહ્યું કે પેટ્રોલના ભાવમાં ૨૪ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાનો ર્નિણય લેવાયો છે. પાકિસ્તાનમાં છેલ્લા ૨૦ દિવસની અંદર પેટ્રોલના ભાવ ત્રીજી વખત વધ્યા છે. પાકિસ્તાનના નાણામંત્રીએ ઈસ્લામાબાદમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે નવા ભાવ ૧૫ જૂન મધરાતથી જ લાગૂ થઈ જશે. હવે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ૨૪.૦૩ રૂપિયા વધીને ૨૩૩.૮૯ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ડીઝલના ભાવમાં ૧૬.૩૧ રૂપિયાનો વધારો થયા બાદ ૨૬૩.૩૧ રૂપિયા પ્રતિ લીટર ભાવ થયો. આ બધા વચ્ચે કેરોસિનનો ભાવ ૨૯.૪૯ રૂપિયા વધીને ૨૧૧.૪૩ રૂપિયા થશે અને લાઈટ ડીઝલનો ભાવ ૨૯.૧૬ રૂપિયા વધ્યા બાદ ૨૦૭.૪૭ રૂપિયા થશે. નાણામંત્રી ઈસ્માઈલે કહ્યું કે સરકાર પાસે આંતરરાષ્ટ્રીય કિંમતોના કારણે પડતો બોજાે પાકિસ્તાનમાં ગ્રાહકો પર નાખ્યા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી.
