પાકિસ્તાન
પાકિસ્તાનમાં લોકોને મોંઘવારીનો ભોગ બનવું પડે છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને ખાવા-પીવાની તમામ જરૂરી ચીજાે માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના ડેટા અનુસાર દેશમાં મોંઘવારીનો દર હાલમાં ૧૧.૫થી વધીને ૧૨.૩ ટકા થયો છે. જે છેલ્લા ૨૧ મહિનામાં સૌથી વધુ છે. શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી દર ૧૧.૭ ટકા પર પહોંચી ગયો છે. ગ્રામીણ વિસ્તારોમાં તે ૯ ટકા છે. રાંધણ તેલના ભાવમાં છ ટકા, ફળોના ભાવમાં પાંચ ટકા અને લોટના ભાવમાં પાંચ ટકાનો વધારો થયો છે.પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી રહી છે અને લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. પરંતુ વડાપ્રધાન ઈમરાન ખાનને આ બધુ નથી દેખાઈ રહ્યુ. વાસ્તવમાં ઈમરાન ખાને સોમવારે એક મીડિયા કંપની સાથે વાત કરતા કહ્યું કે તેઓ લોકોને જણાવે કે દેશમાં કોઈ મોંઘવારી નથી. ઈમરાને ઈકોનોમિક ટીમના પ્રદર્શન અને કેટલીક મહત્ત્વની ચીજવસ્તુઓના ઘટતા ભાવ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ઈમરાનને ભલે મોંઘવારી દેખાતી ન હોય, પરંતુ આપણા પાડોશી દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓ અને પેટ્રોલની કિંમતો સતત વધી રહી છે. ઈમરાન ખાને સરકાર અને પાર્ટીના પ્રવક્તાઓની બેઠકની અધ્યક્ષતા કરતા કહ્યું “અમને બરબાદ અર્થતંત્ર વારસામાં મળ્યું છે. આ બેઠકમાં દેશની અર્થવ્યવસ્થા અને સરકારી મીડિયા વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. મોંઘવારી અને આર્થિક સ્થિતિ અંગે માહિતી આપતા પાકિસ્તાનના નાણામંત્રી શૌકત તારીને કહ્યું કે નવેમ્બર મહિનાની સરખામણીએ ડિસેમ્બરમાં મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આવતા મહિને તેમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. મંત્રીએ બેઠકમાં જણાવ્યું કે વૈશ્વિક કિંમતો નીચે આવી રહી છે. તરીનને સંબોધતા પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે તમે કહો છો કે આર્થિક સ્થિતિ સારી છે જ્યારે વિપક્ષ સરકારની ટીકા કરે છે. અર્થવ્યવસ્થાની સ્થિતિને વધુ સારી ગણાવતા ઈમરાન ખાને નિર્દેશ આપ્યો કે અર્થવ્યવસ્થાના આંકડા સાર્વજનિક કરવામાં આવે. તેમણે પાર્ટીના અધિકારીઓને કહ્યું કે લોકોને જણાવો કે મોંઘવારી નથી, વિપક્ષ જુઠ્ઠું બોલે છે. તેમણે કહ્યું કે અમને બરબાદ અર્થવ્યવસ્થા વારસામાં મળી છે, જેમાં મારી સરકારે ઘણો સુધારો કર્યો છે. વિપક્ષને કોઈપણ રીતે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા ન દો અને લોકોને હકીકત જણાવો અને તેમની સામે વાસ્તવિક ચિત્ર રજૂ કરો.


