હૈદરાબાદ
પાકિસ્તાનમાં લઘુમતી સમાજ પર થતાં અત્યાચારોના કિસ્સા અવારનવાર સામે આવે છે. ખાસ કરીને હિન્દુઓને થતી હેરાનગતિ, પરાણે ધર્માંતરણ સહિતની ઘટના જાેવા મળે છે. ત્યારે પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતાં અત્યાચારનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં હિન્દુ યુવતીનું ધોળે દહાડે અપહરણ કરી બળજબરીથી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવી અપહરણકાર સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે. જ્યારે મામલો કોર્ટમાં પહોંચે છે ત્યારે કોર્ટ પણ યુવતીને કિડનેપર પાસે જવાનું કહ્યું હતું. આ પછી યુવતી રડવા લાગી હતી. બાદમાં કોર્ટનું હૃદય પિગળ્યું અને તેણે સેફ હાઉસમાં જવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં ચંદા નામની યુવતી (કાલ્પનિક નામ)નું બે મહિના પહેલા મુસ્લિમ શખ્સે ધોળા દિવસે કથિત રીતે અપહરણ કર્યું હતું અને બળજબરીથી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવી લગ્ન કર્યા હતા. આ કેસમાં ગુરુવારે પાકિસ્તાની કોર્ટે પીડિતાને સેફ હાઉસમાં શિફ્ટ કરી દીધી હતી. કોર્ટે શરૂઆતમાં પીડિતાને તેના માતા-પિતા સાથે જવાની છૂટ આપી ન હતી અને તેના પતિના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટને સ્વીકાર્યું હતું, પરંતુ કોર્ટના ચુકાદા બાદ સોશિયલ મીડિયા પર યુવતી રડતી અને માતાને ગળે લગાવતી હોય તેવા વીડિયો સામે આવ્યા હતા. બાદમાં ન્યાયાધીશે આદેશ આપ્યો હતો કે, યુવતીને સેફ હાઉસમાં શિફ્ટ કરવામાં આવે અને તે તેના માતાપિતાને મળી શકે છે. કોર્ટે તેના મેડિકલ ચેકઅપનો પણ આદેશ આપ્યો હતો. આ બનાવની વિગતો મુજબ મોટી બહેન સાથે ફેક્ટરીમાં કામ કરતી આ યુવતી ૧૨ ઓગસ્ટના રોજ ઘરે પરત ફરી રહી હતી ત્યારે હૈદરાબાદના ફતેહ ચોકથી ચાર શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. પીડિતાના માતા-પિતા અને તેમના વકીલના જણાવ્યા અનુસાર યુવતીને બળજબરીથી ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને અપહરણકર્તા સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. અહીં ઉલ્લેખનિય છે કે, સિંધ પ્રાંતમાં આ વર્ષે હિન્દુ યુવતીઓ અને મહિલાઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ વધી છે. આ સાથે તેમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે. જેમાં મુસ્લિમ શખ્સે પીડિતાનું અપહરણ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના અપહરણના કેસ સતત સામે આવી રહ્યા બાદ સ્થાનિક સરકાર એક્શનમાં આવી ગઈ છે.