ઈસ્લામાબાદ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ૯ માર્ચે ભારત તરફથી ભૂલથી છોડવામાં આવેલી મિસાઈલનો મુદ્દો ઉઠાવતાં એક રીતે ધમકી આપી દીધી છે. રવિવારે એક ભાષણમાં ખાને કહ્યું કે- તમે બધાં જાણો છો કે ૯ માર્ચે શું થયું. ભારત તરફથી આપણાં દેશમાં એક મિસાઈલ છોડવામાં આવી. અમે ઈચ્છત તો તે સમયે જ તેનો જવાબ આપી શક્યા હોત, પરંતુ અમે હોશથી કામ કર્યું. ૯ માર્ચે ભારતીય સેનાની એક અનઆર્મ્ડ મિસાઈલ (હથિયાર વગરની પ્રોજેક્ટાઈલ) ભૂલથી ફાયર થઈ ગઈ હતી. લગભગ ૨૬૧ કિલોમીટર દૂર આ મિસાઈલ પાકિસ્તાનના મિયાં ચન્નૂ વિસ્તારમાં પડી હતી. જાે કે તેમાં દારુગોળો ન હતો, જેને પગલે કોઈ નુકસાન થયું ન હતું. ભારતે પોતાની ભૂલ સ્વીકારી હતી અને હાઈલેવલ કોર્ટ ઓફ ઈન્કવાયરીના ઓર્ડર આપી દીધા હતા. ઈમરાન સરકાર વિરૂદ્ધ વિપક્ષે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. માનવામાં આવે છે કે તેમની સરકારનું બચવું મુશ્કેલ છે. તેથી ઈમરાન ઈલેક્શનના મૂડમાં છે. પાકિસ્તાની સેના મિસાઈલ મામલે નિવેદનબાજી કરી રહી છે, પરંતુ ઈમરાન અને તેમના મંત્રી મામલાને તૂલ આપી રહ્યાં છે. પાકિસ્તાનના પત્રકાર અંસાર અબ્બાસીએ શનિવારે કહ્યું હતું કે ખાન આ મુદ્દે રાજકીય ફાયદો ઉઠાવવા માગે છે. હાફિઝાબાદમાં એક રેલી દરમિયાન ઈમરાને કહ્યું- ભારતે અમારા મુલ્ક પર મિસાઈલ છોડી. જવાબ અમે પણ આપી શક્યા હોત, પરંતુ અમે ધૈર્ય અને સંયમથી કામ લીધું. અમે ટકરાવ નથી ઈચ્છતા, પરંતુ અમે અમારા મુલ્કને મજબૂત બનાવવા માગીએ છીએ. અમને અમારી સુરક્ષા કરતા આવડે છે. હવે અમારી ઈકોનોમી પણ મજબૂત થવા લાગી છે. પાકિસ્તાનના જર્નાલિસ્ટ મોહમ્મદ ઈબ્રાહિમ કાઝીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે ભારતથી છોડવામાં આવેલી મિસાઈલનું નામ બ્રહ્મોસ છે. તેની રેન્જ ૨૯૦ કિલોમીટર છે. ઈન્ડિયન એરફોર્સ તેનો સ્ટોક રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રાખે છે. જાે કે પાકિસ્તાન સેનાનો દાવો છે કે આ મિસાઈલ હરિયાણાના સિરસાથી છોડવામાં આવી. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે ભારત સરકારની સેન્સિટિવી ટેક્નોલોજી સંભાળવની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા. એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા તેમને કહ્યું- દિલ્હીએ આ વાત કબૂલ કરવામાં બે દિવસથી વધુનો સમય લાગ્યો હતો કે ‘તે તેમની મિસાઈલ હતી, જે ભૂલથી ફાયર થઈ ગઈ. આ દુર્ઘટનાથી ભારતની સેન્સેટિવ ટેક્નોલોજી સંભાળવાની આવડત પર સવાલો ઊભા કરે છે.’
