ઇન્દોર
ઈન્દોરમાં યુટ્યુબ જાેઈને ઈલાજ કરવો એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયો છે. તેને હાથમાં દુખાવો હતો. તેણે યુટ્યુબમાં ઈલાજ સર્ચ કર્યો અને તેમાં જણાવ્યા અનુસાર જંગલી દૂધીનો જ્યૂસ પી લીધો. તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં ઈલાજ દરમિયાન તેનું મોત થયું હતું. ઈન્દોરની વિજયનગર પોલીસ અનુસાર જીવ ગુમાવનાર ધર્મેન્દ્ર વ્યવસાયે ડ્રાઈવર હતો. તેની ઉંમર ૩૫ વર્ષ હતી. તે મૂળ ખંડવાનો રહેવાસી હતો અને ઈન્દોરમાં સ્વર્ણ બાગ કોલોનીમાં રહેતો હતો. પોલીસ અનુસાર, શોર્ટ પીએમ રિપોર્ટ પછી તેની મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ પરિવારે દુધીનું જ્યુસ પીધા પછી તબીયત બગડવાની વાત કરી છે. મૃતકના પરિવારજનોએ કહ્યું કે, થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રને હાથમાં વાગ્યું હતું. જેને કારણે તેને ઘણો દુખાવો થતો હતો. તેણે પોતાના વિસ્તારના એક ડોક્ટર પાસે ઈલાજ કરાવ્યો, પરંતુ તેને સારું ન થયું. ત્યાર પછી ધર્મેન્દ્રએ યુટ્યુબમાં તેનો ઈલાજ સર્ચ કર્યો. તેને એક વીડિયો મળ્યો, જેમાં જંગલી દુધીનું જ્યુસ પીવાથી શરીરમાં કોઈ પણ દુઃખાવો હોય તેમાં રાહત મળે તેવું જણાવવામાં આવ્યું હતું. ધર્મેન્દ્ર પોતે જંગલી દૂધી લાવ્યો હતો. એનો જ્યૂસ કાઢી પીધો. તેના પછી તેને ઝાડા-ઊલટી થઈ ગયા હતા. તેને ગીતા ભવનમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ તબીયત વધારે બગડતા ડોક્ટરોએ તેને બીજી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. ત્યારે તેને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ધર્મેન્દ્રના પરિવારમાં તેની પત્ની અને બે પુત્ર છે. જે તેની સાથે જ રહે છે. માતા-પિતા અને મોટો ભાઈ ખંડવા પાસે ગામમાં રહે છે. ધર્મેન્દ્ર ઘણા વર્ષોથી ઈન્દોરમાં રહીને કામ કરતો હતો.
