શ્રીલંકા
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં હાહાકાર મચી ગયો છે. રાજપક્ષે પરિવારની ‘ખોટી નીતિઓ’ અને ચીન પાસેથી જંગી લોન લીધા બાદ ભારતનો આ પાડોશી દેશ નાદારીનો સામનો કરી રહ્યો છે અને મોંઘવારીએ દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્થિતિ એ છે કે, શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે તેને ખરીદવી એ સામાન્ય લોકોની શક્તિ બહારની વાત બની ગઈ છે અને દેશની તિજાેરી ખાલી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકા ઊંડી નાણાકીય અને માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યું છે અને દેશ ૨૦૨૨માં નાદાર થઈ શકે છે. દેશમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને શાકભાજીથી લઈને રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. શ્રીલંકામાં ખાદ્યપદાર્થોની કટોકટી એટલી વધી ગઈ છે કે ત્યાંના લોકો માટે સોનું ખરીદવા કરતાં દૂધ ખરીદવું વધુ મુશ્કેલ બની ગયું છે. ૫૪ વર્ષીય શામલા લક્ષ્મણ મોડી રાત્રે રાજધાની કોલંબોની સડકો પર દૂધની શોધમાં એક દુકાનથી બીજી દુકાને ભટકે છે જેથી તેને દૂધનું પેકેટ મળી શકે. તે તેના સાત લોકોના પરિવારને ખવડાવી શકે તે માટે તે દૂધ શોધવા માટે વહેલી સવારે નીકળી જાય છે, પરંતુ તેને ઘણી વાર દૂધ મળતું નથી. આજકાલ કોઈ પણ દુકાને દૂધ મળવું અશક્ય બની ગયું છે અને જાે કોઈ દુકાનમાં મળી પણ જાય તો પણ તે એટલું મોંઘું છે કે અમે તેને ખરીદી શકતા નથી. દૂધના ભાવ પહેલા કરતા ત્રણ ગણા મોંઘા થઈ ગયા છે, તેથી હું મારા પરિવાર માટે દૂધ ખરીદી શકતી નથી. નાના રેસ્ટોરાં અને લોકો પણ ગેસની અછતથી ભારે પ્રભાવિત થઈ રહ્યા છે. સપ્લાય ન થવાને કારણે ઘણા ગેસ રિટેલરોએ પોતાનો ધંધો બંધ કરી દીધો છે. કુકિંગ ગેસ રિટેલ આઉટલેટના માલિક દનુષા ગુણવર્દનેએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું, સામાન્ય રીતે અમને દર બે દિવસે લગભગ ૧૦૦ ગેસ કેનિસ્ટર મળે છે. ગયા સોમવારથી અમને ગેસનો એક પણ કેન મળ્યો નથી. મારો એક ડિલિવરી બોય હતો પરંતુ કામ ન હોવાને કારણે મેં તેને પણ છૂટો કરી દીધો છે. હવે તેની પાસે પણ કોઈ કામ નથી. શ્રીલંકાની આર્થિક દુર્દશાનો ભોગ માત્ર ગરીબો જ નથી, પરંતુ ઉંચી કમાણી કરતા નોકરીયાતો પણ તેમની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે. શ્રીલંકામાં રીંગણના ભાવમાં ૫૧ ટકાનો વધારો થયો છે અને દેશમાં હવે રીંગણ ૧૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ડુંગળીના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો છે, જ્યારે બટાકાની કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે, જેના કારણે શ્રીલંકાના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.


