હૈદરાબાદ
હૈદરાબાદમાં ૧૭ વર્ષની છોકરી પર ઘણા દિવસો સુધી બળાત્કાર ગુજારવા બદલ હયાતનગર પોલીસે મંગળવારે પાંચ કિશોરોની ધરપકડ કરી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતાએ ઘટનાનો વીડિયો વ્હોટ્સએપ પર જાેયો અને તેના માતા-પિતાને આ અંગે જાણ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીના પિતાએ સોમવારે તેમનો સંપર્ક કર્યો અને છોકરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મામલાની ગંભીરતા જાેઈને પોલીસે તપાસ શરૂ કરી અને ૨૪ કલાકમાં પાંચેય સગીરોની ધરપકડ કરી લીધી. હાલમાં, પીડિતાની તબીબી તપાસ અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી, તેણીને આગળની કાર્યવાહી માટે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તેમજ, હયાતનગર પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે અને આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૪૯ (ઘર પેસિંગ) અને ૩૭૬ ડીએ, ૩૪ (સગીર પર સામૂહિક બળાત્કાર) તેમજ પોક્સોની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આરોપીઓ શાળા પછી અવારનવાર આસપાસના વિસ્તારમાં ફરતા હતા અને તેમના મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો જાેતા હતા. ચાર આરોપી છોકરાઓ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને પાંચમા છોકરા પર તેના મોબાઇલ ફોન પર આ ઘટનાનું શૂટિંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. પાંચ છોકરાઓને તેમની ધરપકડ બાદ પોટેન્સી ટેસ્ટ માટે ઓસ્માનિયા જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.