National

કે એલ રાહુલ અને સુર્યકુમારની અડધી સદી, આઠ વિકેટે ભારતનો થયો વિજય

તિરુવનંતપુરમ
ભારતે દક્ષિણ આફ્રિકા સામે અહીં રમાયેલી પ્રથમ ટી૨૦માં પહેલા બોલિંગ અને ત્યારબાદ બેટિંગમાં પ્રશંસનીય પ્રદર્શન કરતા પ્રવાસી ટીમ સામે આઠ વિકેટે જીત નોંધાવી હતી. આ સાથે જ ભારતે ત્રણ ટી૨૦ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. લો સ્કોરિંગ મેચમાં વાઈસ કેપ્ટન કે એલ રાહુલ અને ભારતના સ્ટાર બેટ્‌સમેન સુર્યકુમારની અડધી સદી સાથે વિજયી ભાગીદારી મહત્વની રહી હતી. દક્ષિણ આફ્રિકાએ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૦૬ રન કર્યા હતા જેના જવાબમાં ભારતે ૧૬.૪ ઓવરમાં બે વિકેટે ૧૧૦ રન કરી લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. ભારતનો ઝડપી બોલર અર્શદીપ સિંઘ ૩૨ રન આપીને ત્રણ વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ભારતે પ્રમાણમાં સરળ લાગતા સ્કોરને પાર પાડવામાં બે વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રોહિત શર્મા બે બોલ રમીને શૂન્ય રને રબાડાની ઓવરમાં કોટ બિહાઈન્ડ આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી ત્રણ રન કરી નોર્ત્જેના ઓફ સ્ટમ્પ બહારના બોલને રમવા જતા ડી કોકને કેચ આપી બેઠો હતો. રાહુલ (૫૧*) અને સુર્યકુમારે (૫૦*) બાજી સંભાળી હતી અને બન્ને નોટ આઉટ રહ્યા હતા. સુર્યકુમાર યાદવે ૩૩ બોલમાં અડધી સદી ફટકારી હતી. કે એલ રાહુલે વિજયી છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૩ રનની અજેય ભાગીદારી થઈ હતી. ભારતે ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બેટિંગનું નિમંત્રણ આપ્યું હતું. ભારતના સ્વિંગ આક્રમણ સામે પ્રોટીઝ ખેલાડીઓ લાચાર પુરવાર થયા હતા અને એક તબક્કે નવ રનના સ્કોરે અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. કેશવ મહારાજે સૌથી વધુ ૪૧ રન કર્યા હતા જ્યારે માર્કરમે ૨૫ રન અને પારનેલે ૨૪ રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્‌સમેનો પૈકી બાવુમા, રોસોયૂ, મિલર અને સ્ટબ્સ શૂન્ય રને આઉટ થયા હતા. બુમરાહને સવારે પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુઃખાવો થતા તેને પ્રથમ ટી૨૦માં આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને ચાહરેને ટીમમાં લેવાયો હતો અને તેણે તથા હર્ષલ પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *