ગોવા
ગોવામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ગૃહમાં વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરી દીધા છે. સોમવારે સાંજે કોંગ્રેસના ૧૧માંથી ૧૦ ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી અને આ બેઠક બાદ કોંગ્રેસે કહ્યુ કે ભાજપે ગોવા કોંગ્રેસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ યોજનામાં બે ધારાસભ્યો દિગંબર કામત અને માઈકલ લોબો સામેલ હતા. વળી, જ્યારે વિપક્ષના નેતા માઈકલ લોબો સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યુ કે આ સમગ્ર ઘટનાને ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ રીતે કહેવામાં આવી છે, બહારના લોકોએ પાર્ટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસની બેઠકમાં ૧૦ ધારાસભ્યો હાજર હતા અને માત્ર દિગંબર કામત જ ગાયબ રહ્યા હતા. કામત કે જેઓ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈ ચૂંટણીઓમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણી હાર્યા બાદ જ્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને વિપક્ષના નેતા ન બનાવ્યા ત્યારે તેઓ આ અંગે નારાજ હતા. તેમણે જે રીતે પાર્ટી સાથે બળવો કર્યો તેના માટે કોંગ્રેસે સ્પીકરને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કામત અને લોબોને ગેરલાયક ઠેરવવા કહ્યુ છે. લોબો અને અન્ય પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં ન હતા. જેના પગલે પાર્ટીને એલર્ટ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સોનિયા ગાંધીએ પોતે હસ્તક્ષેપ કરીને કેન્દ્રીય નેતાઓને ગોવા મોકલ્યા હતા. આ પહેલા લોબોએ કહ્યુ હતુ કે પાર્ટીમાં કેટલીક ગેરસમજ છે અને તે ટોચના નેતૃત્વને સમજાવશે પરંતુ તેમણે પાછળથી કહ્યુ કે વધુ વાતચીત લોકોને ભ્રમિત કરે છે. કોંગ્રેસના સૂત્રોનુ કહેવુ છે કે અમારી પાસે ભાજપના ચાર્ટર્ડ પ્લેનની યાદી છે, જેમાં કોંગ્રેસના ૬ ધારાસભ્યોને ગોવાની બહાર લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. ભાજપના એક વરિષ્ઠ નેતા વ્યક્તિગત રીતે આ ધારાસભ્યોના સતત સંપર્કમાં હતા. આ ધારાસભ્યોને ૧૫-૨૦ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. ભાજપે છેલ્લી ઘડીએ તેનો પ્લાન રદ કરવો પડ્યો હતો કારણ કે પક્ષપલટા વિરોધી કાયદાને ટાળવા માટે સંખ્યા પૂરતી ન હતી. આ માટે કોંગ્રેસના બે તૃતિયાંશ ધારાસભ્યોનુ સમર્થન જરૂરી હતુ. પક્ષપલટા વિરોધી કાયદો ઓછામાં ઓછા ૮ ધારાસભ્યો જ્યારે અલગ પડે છે ત્યારે તેમને લાગુ પડતો નથી. તમને જણાવી દઈએ કે ગોવામાં ૨૦૧૯માં કોંગ્રેસના ૧૭માંથી ૧૫ ધારાસભ્યો ભાજપમાં જાેડાયા હતા. ત્યારબાદ પાર્ટીએ ધારાસભ્યોને ચર્ચ, મંદિરો, મસ્જિદોમાં પક્ષપલટા વિરુદ્ધ શપથ લેવડાવ્યા હતા અને રાહુલ ગાંધીની સામે સંકલ્પ લીધો હતો કે તેઓ પાર્ટીમાં જાેડાયેલા રહેશે.
