ક્રાઈસ્ટચર્ચ
ટી૨૦ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને ચાર ઓવર બાકી હતી ત્યારે નવ વિકેટે કચડીને જીત નોંધાવી હતી. પાકિસ્તાને નિર્ધારિત ઓવરમાં ૧૩૦ રન કર્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડના ઓપનર એલન અને કોન્વેની ૧૧૭ રનની ભાગીદારીની મદદથી કિવી ટીમે ૧૬.૧ ઓવરમાં એક વિકેટે ૧૩૧ રન કરીને શાનદાર વિજય મેળવ્યો હતો. ફિન એલને ૩૨ બોલમાં અડધી સદી ફટકારવાની સાથે ૬૨ રન કર્યા હતા અને તે એકમાત્ર ખેલાડી આઉટ થયો હતો. જ્યારે ડેવોન કોન્વેએ ૪૬ બોલમાં ૪૯ રનની અણનમ ઈનિંગ રમી હતી. કેપ્ટન વિલિયમસન નવ રન કરી નોટ આઉટ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમને ઘરઆંગણેની સ્થિતિનો ફાયદો થયો હતો. આ સાથે જ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બન્નેએ બે-બે જીત સાથે બરાબરી કરી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી પરંતુ તેમનો આ ર્નિણય ઉંધો પડ્યો હતો. ઓપનર રિઝવાન (૧૬) અને કેર્ટન બાબર આઝમ (૨૧) ખાસ મોટી ઈનિંગ રમી શક્યા નહતા. આ ઉપરાંત નિયમિત અંતરે વિકેટો ગુમાવી હોવાથી પાકિસ્તાન મોટો સ્કોર ઉભો કરી શક્યું નહતું.


