તિરૂવનંતપુરમ
કોઈનું ભાગ્ય ક્યારે બદલી જાય કોઈ જાણતું નથી. કેરલમાં એક ઓટો ડ્રાઇવરનું ભાગ્ય રાતો-રાત બદલી ગયું. ગરીબીથી પરેશાન થઈને ડ્રાઇવરે મલેશિયા જઈ શેફનું કામ કરવાનો વિચાર બનાવી લીધો હતો. તેણે લોન માટે અરજી કરી હતી. એક દિવસ પહેલા તેની લોનને મંજૂરી મળી અને આગામી દિવસે આવી ખુશખબર મળી કે તે કરોડપતિ બની ગયો. તેને ૨૫ કરોડની ઓણમ બંપર લોટરી લાગી હતી. શ્રીવારાહમનો રહેવાસી અનૂપે શનિવારે લોટરીની ટિકિટ ખરીદી હતી જેનો નંબર ્ત્ન ૭૫૦૬૦૫ છે. પહેલા તે જે ટિકિટ ખરીદી રહ્યો હતો. તે તેને પસંદ ન આવી. ત્યારબાદ તેણે બીજી ટિકિટ લીધી અને તે તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. અનૂપે જણાવ્યું કે બેન્કે મને લોન આપવા માટે બોલાવ્યો હતો પરંતુ મેં ના પાડી દીધી. હવે મારે મલેશિયા જવું નથી. અનૂપ પ્રમાણે તે છેલ્લા ૨૨ વર્ષથી લોટરીની ટિકિટ ખરીદે છે પરંતુ અત્યાર સુધી ૫ હજારથી વધુ જીતી શક્યો નથી. તેણે જણાવ્યું કે મને આશા નહોતી તેથી મેં ટીવી પર પરિણામ પણ જાેયું નથી. બાદમાં જ્યારે મારો ફોન જાેયો તો ખબર પડી કે હું જીતી ગયો છું. મને વિશ્વાસ ન આવ્યો એટલે મેં તે મહિલાનો સંપર્ક કર્યો જેની પાસેથી ટિકિટ ખરીદી હતી. તેણે કન્ફર્મ કર્યું કે આ જીતનારો નંબર છે. નોંધનીય છે કે ટેક્સ કપાયા બાદ અનૂપને લગભગ ૧૫ કરોડ રૂપિયા મળશે. અનૂપને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલા પૈસાનું તે શું કરશે તો તેણે કહ્યું, પહેલા તો મારા પરિવાર માટે એક ઘર બનાવવું છે અને પછી દેવુ ચુકતે કરવાનું છે. તેણે કહ્યું કે કેટલાક સંબંધીઓની મદદ કરવી છે અને તે કેરલમાં હોટલના ક્ષેત્રમાં કામ કરવાની યોજના બનાવી રહ્યો છે. તેણે કહ્યું હજુ હું ફરી લોટરીની ટિકિટ ખરીદીશ. આ સંયોગ જ છે કે પાછલા વર્ષે પણ ૧૨ કરોડ રૂપિયાની ઓણમ બંપર લોટરી એક રિક્ષા ડ્રાઇવરે જીતી હતી. વિનિંગ નંબરને નાણામંત્રી કેએલ બાલગોપાલે એક લકી ડ્રો કાર્યક્રમમાં પસંદ કર્યો હતો. બીજા વિજેતાને ૫ કરોડ રૂપિયા આપવામાં આવશે. તો ૧૦ ઇનામ ૧-૧ કરોડ રૂપિયાના પણ છે.


