નાગપુર
નાગપુરમાં એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેને જાણીને તમારા હાજા ગગડી જશે. એક મહિલાએ ચાર પુરુષો સાથે લગ્ન કર્યા હતા અને વળી પાછો એક બોયફ્રેન્ડ પણ રાખ્યો હતો. જાે કે પોલીસે મહિલાની અનેક પુરુષો સાથે લગ્ન કરવા અને વસૂલીના આરોપસર જ્યારે ધરપકડ કરી તો અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા. એક પોલીસ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપતા કહ્યું કે મહિલા અને તેના બોયફ્રેન્ડે આ સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો. મહિલા તેના ચારેય પતિઓ પાસેથી ઢગલો પૈસા વસૂલતી હતી. પોલીસે આ મહિલાની અનેક પુરુષો સાથે લગ્ન કરવાના અને તેમની પાસેથી જબરદસ્તીથી પૈસા વસૂલવાના આરોપસર ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે આરોપીની ઓળખ વર્ધાની રહીશ ભાવિકા મનવાની ઉર્ફે મેઘાલી દિલીપ તિજારે (૩૫) અને તેના પ્રેમી મયૂર રાજુ મોટઘરે (૨૭) તરીકે થઈ છે. પુરુષોને ફસાવીને તેમની સાથે લગ્ન કરવામાં ઉસ્તાદ એવી આ મહિલાએ ચાર ચાર પુરુષો સાથે લગ્ન કરી તેમના ખિસ્સા ખંખેર્યા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાના ૨૦૦૩, ૨૦૧૩, ૨૦૧૬ અને ૨૦૨૧માં લગ્ન થયા હતા. મહિલાનું બસ એક જ કામ હતું તેના પતિઓ વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવી અને પછી તેમની પાસેથી પૈસા વસૂલવાના અને આ રીતે જીવનની ગાડી દોડાવવાની. જરીપટકાના મહેન્દ્ર વનવાનીની ફરિયાદના આધારે મહિલાની ધરપકડ કરવામાં આવી. આ વ્યક્તિ સાથે આરોપી મહિલાના ગત વર્ષ ૧૬ સપ્ટેમ્બરના રોજ લગ્ન થયા હતા. પોલીસે જણાવ્યું કે મહિલાએ વાનવાની વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો અને ચાર લાખ રૂપિયા વસૂલવાની કોશિશ કરી હતી. જાે કે આ વખતે મહિલાના પાપનો ભાંડો ફૂટી ગયો અને પકડાઈ ગઈ.
