Assam

આસામમાં હત્યારી પત્નીએ પતિ-સાસુની જે ઘરમાં હત્યા કરી, ત્યાં સત્યનારાયણની પૂજા રાખી

ગુવાહાટી-આસામ
દિલ્હીમાં શ્રદ્ધા વાલ્કર હત્યા કેસ હજૂ પણ લોકોના મગજમાં છે, ત્યારે આસામના ગુવાહાટીમાંથી તેના જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જે મેહરૌલી હત્યાકાંડ જેવો જ પ્રથમ નજરે દેખાઈ રહ્યો છે. બંદના કલિતા (૩૨), જે એક જીમ ટ્રેનર છે, તેણે તેના પતિ અમરજ્યોતિ ડે અને સાસુ શંકરી ડેની હત્યા કર્યાની કબૂલાત કરી છે. હત્યા કર્યા પછી, બંદનાએ તેના શંકાસ્પદ પ્રેમી, ધંતી કલિતા અને તેના મિત્ર, અરૂપ દાસની મદદથી લાશના અનેક ટુકડા કરી નાખ્યા અને તેને સગેવગે કરી નાખ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, હત્યા કર્યા બાદ ત્રણેય પહાડી વિસ્તારોમાં શરીરના ટુકડાને સગેવગે કરવા માટે કાર લઈને પાડોશી રાજ્ય મેઘાલયમાં ગયા હતા. પોતાના જ પરિવારના બે સભ્યોની હત્યા કરવા છતાં પણ ચહેરા પર પસ્તાવાની જરાં પણ લકીરો નહોતી. બંદના એકદમ સામાન્ય જીવન જીવતી હતી. પોલીસે જણાવ્યું છે કે, હત્યા કર્યા બાદ બંનાએ નરેંગીના એ જ ઘરમાં સત્યનારાયણની પૂજા કરી હતી, જ્યાં તેણે તેના પતિની હત્યા કરી હતી. હત્યા કર્યાના બે મહિના બાદ તેણે આ પૂજા રાખી હતી. આ પૂજામાં વંદનના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, આ ઘટના પછી બંદનાએ ઘરમાં રિનોવેશન પણ કરાવ્યુ હતું. એટલું જ નહીં હત્યા કર્યા બાદ બંદના સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતી હતી. તેણે આ દરમિયાન અનેક ધાર્મિક સ્થળે પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મોટિવેશનલ કોટ્‌સ્‌ પણ તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી. આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું છે કે, બંદનાએ ૨૬ જૂલાઈના રોજ ગુવાહાટીમાં ચાંદમારી વિસ્તારમાં પોતાની સાસુની હત્યા કરી નાખી, જે શંકરી જુગમાયા એપાર્ટમેન્ટમાં ૨ બીએચકે ફ્લેકમાં એકલી રહેતી હતી. ગુવાહાટી પોલીસ કમિશ્નર દિવંગત બોરાહે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, બંદના અને અરુપે પહેલા શંકરીડે ઓશીકા વડે દબાવી દીધી અને પછઈ રોલિંગ પિન વડે તેના માથા પર ઘા માર્યા હતા. ત્યાર બાદ તેની લાશના પાંચ ટુકડા કરી પોલિથીનમાં પેક કરી દીધા. આ દરમિયાન તેનો મિત્ર ધનતી બહાર ચોકીદાર બનીને ઊભા રહેતો હતો. આ ઘટના બાદ બેગ લઈને ધંતીના પાસે લઈ ગઈ, જે કેબ ડ્રાઈવર છે અને ૨૭ જૂલાઈએ વહેલી સવારે મેઘાલયના ચેરાપૂંજી લઈ ગયા અને ત્યાં જઈને આ લાશના ટુકડાને એક ઊંડી ખીણમાં ફેંકી દીધા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, તેણે આજૂબાજૂના વિસ્તારમાં હત્યામાં વપરાયેલા સાધનોનો નિકાલ કર્યો હતો. પોલીસને મેઘાલયમાંથી શંકરી ડેની લાશના અમુક ટુકડા મળી આવ્યા હતા, બાકીના ભાગ હાલમાં પોલીસ શોધી રહી છે. આપને જણાવી દઈએ કે, ૧૭ ઓગસ્ટના રોજ અમરજ્યોતિની હત્યા કરી દેવામાં આવી હતી, જે તે સમયે નરેંગી એપાર્ટમેન્ટમાં રહેતો હતો. આ હત્યા બંદનાએ ધનતી અને અરુપની મદદથી નરેંગીના ઘરમાં લોખંડના સળીયા વડે માથામાં ઘા માર્યા હતા. આ હત્યા કર્યા બાદ લાશના અનેક ટુકડા કરી નાખ્યા અને પોલિથીનમાં પેક કરી નાખ્યા. હત્યાના બીજા દિવસે આ ટુકડા ડાવકી રોડ પર આવેલી ખીણમાં ફેંકી દીધા. આ હત્યામાં તેમણે છરી, રોલર અને સળિયાનો ઉપયોગ કર્યો હતો.પોલીસે પુષ્ટિ કરી છે કે, કપાયેલા આ ટુકડા પહેલા ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. ચાલક મહિલા બંદનાએ આ હત્યા કર્યા બાદ નૂનમતી પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસુ ગુમ થવા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શરુઆતમાં તો પોલીસને કંઈ ખોટુ લાગ્યું નહીં, પણ થોડા મહિના બાદ બંદનાના જૂઠનો પર્દાફાશ થવા લાગ્યો. આ ઘટના બાદ ૨૧ નવેમ્બરના રોજ બંદનાના સાસુ-સસરાના સંબંધીઓએ ગુમ થયેલ કાકીના બેંક ખાતામાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી. જાે કે, આ ઘટના બાદ બંદનાએ ફરી વાર પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેમાં આરોપ લગાવ્યો હતો કે, તેની સાસુના અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે, આ ઘટના બાદ પોલીસને બંદના પર શંકા ગઈ. આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ બંદનાએ કરેલી ગુમ થવાની ફરિયાદ ક્યાં સુધી પહોંચી છે, તે જાણવા માટે કમિશ્નર ઓફિસે આવી હતી, પણ આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, શંકરીના ખાતામાં પૈસા ઉપડી રહ્યા છે. બાદમાં કડકાઈ સાથે પુછપરછ કરતા બંદના ગુનો કબૂલ કરવા લાગી. સાથે જ તેના બે સાથીઓના નામ પણ લીધા અને તેઓ પણ ફસાઈ ગયા. આવી હિચકારી ઘટના બાદ બંદનાના પિતાએ કહ્યું કે, બંદનાએ ભયંકર ગુનાની કબૂલાત કરી છે, તેથી તેને ગોળી મારી દો. મારી દીકરીને હું ખૂની તરીકે જાેઈ શકતો નથી. ભારે હૈયે તેના પિતા કામિની કલિતાએ આ વાત કહી છે. પોલીસે વધુમાં જણાવ્યું છેકે, બંદનાનો પતિ અને તેની માતા એટલે કે, બંદનાની સાસુ સાથે ખૂબ જ સારા સંબંધો હતા. જાે કે, બંદનાએ આ બંનેની હત્યા શા માટે કરી તેની પાછળનો ચોક્કસ હેતુ પોલીસને હજૂ પણ જાણવા મળ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *