પશ્ચિમ ચંપારણ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ‘સમાધાન યાત્રા’ના ભાગરૂપે પશ્ચિમ ચંપારણમાં છે. પોતાની યાત્રા શરૂ કરતા પહેલા તેમણે મોટી જાહેરાત કરી હતી કે, તેઓ બજેટ સત્ર પછી દેશની યાત્રા કરશે. તે સ્પષ્ટ છે કે, તે ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વિરોધ પક્ષોને એક કરવા માટે આખા દેશનો પ્રવાસ કરશે. આ અંતર્ગત તેઓ દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાં વિવિધ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. ગુરુવારે તેમની સમાધાન યાત્રા શરૂ કરતા પહેલા બિહારના મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં દેશની યાત્રા પર જવાના છે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, પહેલા તેઓ સમાધાન યાત્રા પૂર્ણ કરશે અને ત્યારબાદ બજેટ સત્ર પણ છે. આ પછી, દેશવ્યાપી પ્રવાસની તૈયારીઓ કરવામાં આવશે. મુખ્યમંત્રીની આ જાહેરાત અનેક રીતે ખાસ માનવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, નીતિશ કુમાર પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે, તેઓ આ વર્ષે દિલ્હીમાં સરકાર બદલવાના તેમના પ્રયાસોને વધુ તીવ્ર બનાવશે. બિહારમાં મહાગઠબંધનની સરકાર બનાવવાની સાથે જ નીતિશ કુમારે જાહેરાત કરી હતી કેસ તેઓ વિપક્ષી પાર્ટીઓને એક કરવા માટે તમામ રાજ્યોની મુલાકાત લેશે.
