ચંડીગઢ
ચંડીગઢ સ્ટેટ કંઝ્યૂમર કમીશને ટ્રેન મુસાફરોના હકમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કમીશને કહ્યું કે, જાે ટ્રેનમાં રિઝર્વ ડબ્બામાં મુસાફરનો સામાન ચોરી થઈ જાય તો, ચોરી થયેલા સામાનની ભરપાઈ રેલવેને કરવી પડશે. ટ્રેનમાં થયેલી સ્નૈચિંગની એક ઘટના માટે રેલવેને જવાબદાર ઠેરવતા રેલવેને મુસાફરના સામાનની કિંમત ભરપાઈ કરવાના આદેશ આપ્યા છે. સાથે જ ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ રેલવેને આપવાનો રહેશે. ચંડીગઢના સેક્ટર-૨૮ના રહેવાસી એક શખ્સ રામબીરની ફરિયાદ પર કંઝ્યૂમર કોર્ટનો આ આદેશ આપ્યો છે. રામબીરની પત્નીનું પર્સ અંબાલા રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ છીનવીને લઈ ગયો હતો. પર્સમાં પૈસા અને કિંમતી સામાન હતો. રામબીર પરિવારની સાથે ચંડીગઢની દિલ્હી જઈ રહ્યો હતો. રામબીરને પહેલા ડિસ્ટ્રીક્ટ કંઝ્યૂમર કોર્ટમાં રેલવે વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, પણ ત્યાં તેનો કેસ રદ કરી દેવામાં આવ્યો. બાદમાં રામબીરે સ્ટેટ કંઝ્યૂમર કમિશનમાં અપીલ કરી હતી. રામબીરે જણાવ્યું કે, તેણે રેલવેની વેબસાઈટથી ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી હતી. ૫ નવેમ્બર ૨૦૧૮માં જ્યારે ટ્રેન ચંડીગઢથી રવાના થઈ તો, તેણે જાેયું કે, રિઝર્વ કોચમાં અમુક શંકાસ્પદ લોકો આમતેમ ભાટકી રહ્યા હતા. તેમણે તેની સૂચના ટીટીઈને આપી, પણ ટીટીઈએ તેમની વાતને ધ્યાને લીધી નહીં. જેવું અંબાલા સ્ટેશન આવ્યું કે, શંકાસ્પદ લોકોમાંથી એકે તેમની પત્નીનું પર્સ છીનવીને ચાલતી ટ્રેનમાંથી કુદીને ફરાર થઈ ગયો. કંઝ્યૂમર કમિશને રેલવેને આ મામલામાં દોષિત ઠેરવતા કહ્યું કે, ટ્રેનમાં મુસાફર અને સામાનની સુરક્ષાની જવાબદારી રેલવેની છે. કમિશને રેલવેને રામબીરને તેમનો છીનવાયેલો સામાનના ૧.૦૮ લાખ રૂપિયા અને દંડ તરીકે ૫૦ હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો. અહીં ઉલ્લેખનિય છે કે, આ કિસ્સો પહેલીવાર નથી બન્યો, જ્યારે સામાન ચોરી થવા પર રેલવેને જવાબદાર ઠેરવવામાં આવી હોય.
