રાયપુર-છત્તીસગઢ
છત્તીસગઢની રાજધાની રાયપુરમાંથી સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં ઘરનું કામ છોડવાથી નારાજ એક શખ્સે જાહેરમાં છોકરી પર છરા વડે હુમલો કરી દીધો હતો. તેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં આરોપી એક હાથમાં છરો અને બીજા હાથમાં છોકરીના વાળ પકડીને ઢસળી રહ્યો છે. જાણકારી અનુસાર, ૧૫-૧૬ વર્ષની સગીર બાળકી ગુઢિયારી પડાવમાં કરિયાણાના વેપારી ઓંકાર તિવારીને ત્યાં ઘરેલૂ કામ કરવા માટે જતી હતી. અમુક કારણોસર તે કામ છોડવા માગતી હતી અને તે બાકીના રૂપિયા માગતી હતી.કામ છોડવા અને પૈસા માગવાથી નારાજ ઓમકારે તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. તે છોકરીને જાહેરમાં વાળ પકડીને ઢસળી રહ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં છરો પણ હતો. જેમ તેમ કરીને તે જીવ બચાવી પોતાના ઘરે પહોંચી હતી. હુમલામાં ઘાયલ છોકરીને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જાણકારી અનુસાર, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે, ઘટનાના સમયે છોકરી પર હુમલો કરનારો શખ્સ નશામાં ધૂત હતો. રાયપુર પોલીસે કહ્યું કે, ૧૬ વર્ષની છોકરી પર ધારદાર હથિયારથી હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવાય છે કે, જે વ્યક્તિએ તેના પર હુમલો કર્યો છે, તેના ઘરમાં આ છોકરી કામ કરતી હતી. કામ છોડવા અને અન્ય કારણોસર તેના પર હુમલો કર્યો હતો. આ બાજૂ પીડિતાના ભાઈએ જણાવ્યું કે, તે આ વિસ્તારમાં પોતાની મા અને બહેન સાથે રહે છે. તેની બહેન લોકડાઉન દરમિયાન લગભગ ૧ મહિનો તિવારી મસાલા સેન્ટરમાં કામ કરવા ગઈ હતી. સ્કૂલ ખુલ્યા બાદ બહેને કામ પર જવાનું બંધ કરી દીધું. પણ ઓમકાર તિવારી વારંવાર તેને કામ પર બોલાવતો અને કહેતો હતો કે, તેની બહેન તેને પસંદ છે. તેને કહ્યું હતું કે, રવિવાર સાંજે મમ્મીએ ફોન કરીને કહ્યું કે, બેટા જલ્દી ઘરે આવી જા. તેના પર તે ઘરે પહોંચ્યો અને ઘાયલ બહેન અને માતાને લઈને સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં લઈ ગયો. આ દરમિયાન તેની માતાએ કહ્યું કે, ઓમકાર મને કહેતો હતો કે, તમારી છોકરી મને આપી દો, હું તેને પત્ની બનાવીને રાખીશ. ત્યારે મેં ના પાડી દીધી. મેં કહ્યું હતું કે, મારી છોકરી નાની છે. હું તારી સાથે લગ્ન કરાવીશ નહી. એટલા માટે આજે તેણે ગળુ, હાથ અને પગ પર હુમલો કરી તેની હત્યા કરવાની કોશિશ કરી છે.
