નવીદિલ્હી
દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી આજે મોકૂફ રાખવામાં આવી હતી. સિસોદિયાના વકીલોએ ઈડ્ઢ પાસે જવાબ માંગ્યો હતો. ઈડીએ તેમને આજે જવાબની કોપી આપી હતી. આ પછી સિસોદિયાના વકીલે ઈડીના જવાબ પર પોતાનો જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો. આ કેસની આગામી સુનાવણી હવે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ૫ એપ્રિલે થશે. મનીષ સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં તેમની જામીન અરજીમાં જણાવ્યું હતું કે તેમને કસ્ટડીમાં રાખીને કોઈ અર્થપૂર્ણ હેતુ પૂરો કરવામાં આવશે નહીં, કારણ કે તમામ જપ્તી થઈ ચૂકી છે. તેણે એમ પણ કહ્યું કે જ્યારે સમન્સ પાઠવવામાં આવ્યું ત્યારે તે તપાસમાં જાેડાયો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. ૯ માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સિસોદિયાની તિહાર જેલમાં ધરપકડ કરી હતી. ૨૦૨૧-૨૨ માટે દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કર્યા પછી તેને અહીં બંધ કરવામાં આવ્યો છે. આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવી રહી છે, જેણે ૨૬ ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. દિલ્હી સરકારની આબકારી નીતિ ૨૦૨૧-૨૨ હવે રદ કરવામાં આવી છે.
