નવીદિલ્હી
ક્રિકેટમાં રેકોર્ડ્સ તૂટવા માટે જ બનતા હોય છે પરંતુ એક રેકોર્ડ એવો છે જે તૂટવો અશક્ય લાગી રહ્યો છે. આ રેકોર્ડ આઈપીએલની એક સિઝનમાં વિરાટ કોહલીએ નોંધાવેલા ૯૭૩ રનનો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ ૨૦૧૬ની આઈપીએલ સિઝનમાં ૧૬ મેચમાં ૯૭૩ રન ફટકાર્યા હતા. કોહલીએ ૮૧.૦૮ની અવેરેજ અને ૧૫૨ના સ્ટ્રાઈક રેટ સાથે આ રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે ચાર સદી અને સાત અડધી સદી ફટકારી હતી. પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ભારતનો ઊભરતો ખેલાડી શુભમન ગિલ વિરાટ કોહલીનો આ ઐતિહાસિક રેકોર્ડ તોડી શકે છે. શુભમન ગિલ આઈપીએલ-૨૦૨૩માં ગુજરાત ટાઈટન્સ ટીમ માટે રમી રહ્યો છે. એક સવાલના જવાબમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, શુભમન ગિલ એક ઓપનિંગ બેટ્સમેન છે તેને કારણે તેની પાસે રન નોંધાવવાની ઘણી બધી તકો રહેલી છે. મને લાગે છે કે તે રેકોર્ડ શુભમન ગિલ તોડી શકે છે કેમ કે તે સારા ફોર્મમાં છે અને ટોપ ઓર્ડરમાં રમી રહ્યો છે. તેથી તેની પાસે રન નોંધાવલાની ઘણી બધી તકો રહેલી છે. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પિચો પણ ઘણી સારી છે તેથી જાે તે સળંગ બે કે ત્રણ ઈનિંગ્સમાં ૮૦-૧૦૦ રન નોંધાવી લેશે તો ત્યારે જ ૩૦૦-૪૦૦ રન થઈ જશે. મારા મતે આ રેકોર્ડ તોડવો ઘણો જ મુશ્કેલ છે કારણ કે ૯૦૦થી વધુ રન ઘણો મોટો રેકોર્ડ છે. પરંતુ ઓપનિંગ બેટ્સમેનને બે વધારે મેચ કે ઈનિંગ્સ મળે છે, તેથી તે આ રેકોર્ડ તોડી શકે છે. વિરાટ કોહલી બાદ આઈપીએલમાં એક સિઝનમાં સૌથી વધુ રન નોંધાવવાના મામલે ઈંગ્લેન્ડનો જાેઝ બટલર અને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. બટલર એક સિઝનમાં ૮૬૩ રન અને ડેવિડ વોર્નર ૮૪૮ રન નોંધાવવાનો રેકોર્ડ ધરાવે છે. શુભમન ગિલે રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં આઈપીએલમાં પોતાના ૨૦૦૦ રન પૂરા કર્યા હતા. શુભમન ગિલે વિશ્વની લોકપ્રિય ટી૨૦ ટુર્નામેન્ટ આઈપીએલમાં અત્યાર સુધી ૨૦૧૬ રન નોંધાવ્યા છે. તેણે ૩૨.૫૨ની એવરેજ અને ૧૨૬.૨૪ની સ્ટ્રાઈક રેટ સાથે આ રન નોંધાવ્યા છે. આઈપીએલમાં શુભમનની સૌથી શ્રેષ્ઠ સિઝન ગત વર્ષે રહી હતી. ગત વર્ષે તેણે ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


