નવીદિલ્હી
ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે દારૂ ન પીવાતો હોવાની અને ન વેચાતો હોવાનું કહેવાય છે. પરંતુ હકીકત કંઈક અલગ છે એ સૌ કોઈ જાણે છે. ત્યારે ગુજરાતની સિવિલ હોસ્પિટલ આસપાસ જ દારૂનું વેચાણ થતું હોય તેવું રાજ્યના બે મોટા શહેરોમાં બહાર આવ્યું છે. અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ગેટ સામે જ દેશી દારૂ વેચાય છે. તેના વીડિયો સામે આવ્યા છે. તેવામાં રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર જ ૧૧ બોટલ સાથે એક શખસને પોલીસે ઝડપી પાડ્યો છે. ગુજરાતની સિવિલ હોસ્પટિલ આસપાસ જ દારૂના વેચાણના આ બે કિસ્સાથી રાજ્યમાં કેવી કડક દારૂબંધી હશે તેની ચાડી ખાય છે. બીમાર વ્યક્તિ સારવાર લેવા હોસ્પિટલ જાય. એમાં પણ સારી સારવાર માટે અમદાવાદની અસારવા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જાય, પરંતુ આ હોસ્પિટલમાં જાય એ પહેલાં દારૂબંધીને તમાચા મારતાં ચોંકાવનારાં દૃશ્યો રોડ પર જ જાેવા મળે. દર્દી હોસ્પિટલમાં પ્રવેશે એ પહેલાં જ તેને સિવિલ હોસ્પિટલના ગેટ આગળ લાઈન લગાવીને દારૂ પીતા દારૂડિયા દેખાય. દારૂની પોટલીઓમાંથી ખુલ્લેઆમ મદિરાપાન કરતા દારૂડિયા પછી ગમે ત્યાં પોટલીઓ ફેંકી દે છે. આ સ્થિતિ ક્યારેક એટલી હદે વકરી જાય છે કે સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી સેવા ૧૦૮ને પણ અંદર જતાં મુશ્કેલીઓ પડી જાય છે. આ બધું પોલીસની નજરમાં ન હોય એ મોટો સવાલ છે, કેમ કે જ્યાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે એ સ્થળ ડીસીપીની ઓફિસથી માંડ એકાદ કિમીના અંતરે આવેલું છે. ત્યારે સ્થાનિક પોલીસ-ઈન્સ્પેક્ટર કે શહેરના જાંબાઝ પોલીસને આ બધું દેખાતું નથી. રાજ્યમાં દારૂબંધી છે છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. દારૂના વેચાણ સામે પોલીસ આંખ આડા કાન કરી રહી છે અથવા તો પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેપાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ વાત વીડિયોમાં દેખાતા દૃશ્ય પરથી સ્પષ્ટ થાય છે, જ્યાં અસારવામાં સિવિલ હોસ્પિટલના ગેટની સામે જાહેરમાં દારૂનું વેચાણ પણ થાય છે અને લોકો જાહેરમાં દારૂ પી રહ્યા છે.
