નવીદિલ્હી
આપની શૈલી ઓબેરોય દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર ડૉ. શૈલી ઓબેરોયને ૧૫૦ મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને ૧૧૬ વોટ મળ્યા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણી માટે કુલ ૨૬૬ વોટ પડ્યા હતા. મેયરની ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ગૃહમાં શેલી ઓબેરોય ઝિંદાબાદના નારા લાગ્યા હતા. પહેલાથી જ દિલ્હીના મેયર પદ પર આપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી . મેયર પદની ચૂંટણી યોજવા માટે નાગરિક સંસ્થાના ત્રણ નિષ્ફળ પ્રયાસો બાદ બુધવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરી એકવાર ચૂંટણી યોજાઈ હતી. મેયર પદ માટે આપના શેલી ઓબેરોય અને ભાજપના રેખા ગુપ્તા મુખ્ય દાવેદાર હતા. ૧૭ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના છ સભ્યોની ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે ૨૪ કલાકમાં નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો હતો.ઉમેદવાર શૈલી ઓબેરોયની અરજી પર સુનાવણી કરીને આ આદેશ જારી કર્યો હતો. દિલ્હી મેયરની ચૂંટણીનું મતદાન સવારે ૧૧.૩૦ વાગ્યે શરૂ થયું હતું અને ૨ કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. કુલ ૧૦ નામાંકિત સાંસદો, ૧૪ નામાંકિત ધારાસભ્યો અને દિલ્હીના ૨૫૦ ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી ૨૪૧એ મેયરની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસના ૯ કાઉન્સિલરોએ પોતાનો મત આપ્યો નથી.બીજેપી સાંસદ મનોજ તિવારીએ દિલ્હીના મેયરની ચૂંટણીમાં મતદાન કર્યું હતું આજે પણ સવારે ૧૧ વાગે સિવિક સેન્ટરમાં હંગામા જેવી પરિસ્થિતિ જાેવા મળી હતી આપ કાઉન્સલરોનો પોલીસ સાથે થોડો વિવાદ પણ થયો. આપ સદનમાં બીજેપી વિધાયક વિજેન્દ્ર ગુપ્તાની એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા હતા. હંગામાની શક્યતાને જાેતા સદનમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી. મેયરની ચૂંટણીમાં આપની જીત પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, ‘ગુંડાઓ હારી ગયા, જનતા જીતી ગઈ. આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દિલ્હીની જનતાની જીત થઈ અને ગુંડાગીરીનો પરાજય થયો. મેયર તરીકે શૈલી ઓબેરોયની ચૂંટણી પર દિલ્હીની જનતાને અભિનંદન. જયારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ નવા ચૂંટાયેલા મેયર ડૉ. શેલી ઓબેરોયને અભિનંદન આપ્યા અને તમામ આપ કાઉન્સિલરો અને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા. આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે શૈલી ઓબેરોયની જીત પર કહ્યું, ‘ગુંડાગીરી હારી છે, જનતા જીતી ગઈ છે. ભાજપ છેતરપિંડી કરીને પોતાનો મેયર બનાવવા માંગતી હતી. હું શૈલી ઓબેરોયને દિલ્હીના મેયર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપું છું. શૈલી ઓબેરોય ૨૦૧૩માં એક કાર્યકર્તા તરીકે આપમાં જાેડાયાં હતાં અને ૨૦૨૦ સુધી તેઓ પાર્ટીના મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ હતાં. કોર્પોરેટર તરીકે પ્રથમ વખત તેમણે પશ્ચિમ દિલ્હીમાં ભાજપના ગઢમાં જીત પ્રાપ્ત કરી. દિલ્હી વિશ્વવિદ્યાલયમાં એક પૂર્વ વિઝિટિંગ આસિસ્ટેન્ટ પ્રોફેસર અને પહેલીવાર કોર્પોરેટર શૈલીએ દિલ્હી ભાજપાના પૂર્વ પ્રમુખ આદેશ ગુપ્તાના ગૃહ ક્ષેત્ર પૂર્વી પટેલ નગરથી ચૂંટણી લડી અને પોતાના સ્પર્ધી દીપાલી કુમારીને ૨૬૯ મતથી હરાવ્યા અને હવે રેખા ગુપ્તાને હરાવીને મેયર બની ગયા છે. ૩૯ વર્ષનાં શૈલી ઓબેરોય પશ્ચિમ દિલ્હીના પૂર્વ પટેલ નગર વોર્ડના ચૂંટાયેલા કાઉન્સિલર છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતાં. તેઓ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના આજીવન સભ્ય પણ છે. ઓબેરોયે આઇજીએનઓયુની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં પીએચ.ડી કર્યું છે. તેમની પાસે તેમના નામ પર ઘણાં પુરસ્કારો અને સન્માન છે જે તેમને વિવિધ સંમેલનોમાં પ્રાપ્ત થયાં છે. ૩૯ વર્ષની શૈલી ઓબેરોયના પિતાનું નામ સતીશ કુમાર ઓબેરોય છે. શૈલી બે બહેન અને એક ભાઇ છે, બહેનનું નામ મિલી ખન્ના અને ભાઈનું નામ તુષાર ઓબેરોય છે. તેમણે હિમાચલ અને દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે. દિલ્હી વિશ્વવિદ્યાલયના જાનકી દેવી કોલેજથી બીકોમ તો હિમાચલ વિશ્વવિદ્યાલયથી એમકોમ કર્યું. તેમણે એમફિલ અને પીએચ.ડીની ડિગ્રી પ્રાપ્ત કરીને વિવિધ શિક્ષણ સંસ્થાનોમાં ભણાવ્યાં. બિઝનેસ મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેમના ઘણા સંશોધન પત્રો વિવિધ જર્નલમાં પ્રકાશિત થયા છે. મેયર બન્યા બાદ ડો.શૈલી ઓબેરોયે કહ્યું કે હું તમને બધાને ખાતરી આપું છું કે હું આ ગૃહને બંધારણીય રીતે ચલાવીશ. હું આશા રાખું છું કે તમે બધા ગૃહની ગરિમા જાળવશો અને તેની સુચારૂ કામગીરીમાં સહકાર આપશો.
