નવીદિલ્હી
ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અગાઉ ભારતીય ટીમ માટે ચેતેશ્વર પૂજારાના સૂચનો બહુમૂલ્ય બની શકે છે કેમ કે તે હાલમાં ઘણા સમયથી ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યો છે તેમ ભારતના મહાન ટેસ્ટ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું. પૂજારાનું કાઉન્ટી ક્રિકેટનું જ્ઞાન અને સસેક્સ કાઉન્ટી માટે તેનો કપ્તાનીનો અનુભવ પણ ભારત માટે અમૂલ્ય બની રહેશે અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટિવ સ્મિથ અંગે તેના સૂચનો અગત્યના રહેશે કેમ કે સ્મિથ પણ તેની કાઉન્ટીમાં જ રમે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ ખાતે સાતમી જૂનથી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે. ગાવસ્કરે જણાવ્યું હતું કે હકીકત એ છે કે પૂજારા અહીં ઘણા સમયથી રમી રહ્યો છે તેનો અર્થ એ થયો કે તેને ઓવલની પિચ કેવી રીતે વર્તાવ કરશે તેની પણ જાણકારી હશે. કદાચ તે ઓવલમાં રમ્યો ન હોય તો પણ તે સસેક્સમાં છે જે લંડનથી ખાસ દૂર નથી પરંતુ તેણે ઓવલ પર ખાસ નજર તો રાખી જ હશે કે ત્યાં શું થઈ રહ્યું છે અને ખાસ કરીને બેટિંગ અંગે તે પોતાના સાથીઓને સારી એવી માહિતી આપી શકશે. આ ઉપરાંત તે સુકાનીને પણ કેટલાક સૂચન કરી શકે છે.