નવીદિલ્હી
ઉત્તર ભારતમાં હવામાનનો પારો ઝડપથી વધી રહ્યો છે. ફેબ્રુઆરીમાં જ લોકોને આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક લોકોનું માનવું છે કે હવે શિયાળો જતો રહ્યો છે પરંતુ એ સાચુ નથી. અસલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલયથી પસાર થઈ રહ્યો છે. જ્યારે એક અન્ય તાજાે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૬ ફેબ્રુઆરીની આજુબાજુ પશ્ચિમી હિમાલયના પહાડો સુધી પહોંચી શકે છે. આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આવવાથી હવામાનમાં અચાનક ગરમી વધી ગઈ છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટનું માનીએ તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના મોટાભાગના સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી ૫ ડિગ્રી કરતા ઉપર રહ્યું. પશ્ચિમી હિમાલયની પહાડીઓ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક સ્થળો ઉપર પણ મોટાભાગે મહત્તમ તાપમાન સામાન્યથી ૫ ડિગ્રીથી ઉપર રહ્યું. આ સ્થળો પર ન્યૂનતમ તાપમાન પણ સામાન્યથી ૫ ડિગ્રી કરતા વધુ રેકોર્ડ કરવામાં આવ્યું. હવામાનના આ ફેરફારના કારણે પૂર્વ અસમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉપ-હિમાલયી પશ્ચિમી બંગાળ, સિક્કીમ, અને આંધ્ર પ્રદેશના ઉત્તર તટ પર હળવો વરસાદ પડ્યો. આગામી ૨૪ કલાક દરમિયાન હવામાનના પ્રભાવોની વાત કરીએ તો પશ્ચિમી હિમાલય અને અરુણાચલ પ્રદેશની પહાડીઓ પર હળવા વરસાદ અને બરફવર્ષા સાથે કેટલાક સ્થળો પર મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી ૩ થી ૪ દિવસ સુધી અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને બરફવર્ષા પડી શકે છે. જાે કે પશ્ચિમી હિમાલયની પહાડીઓ પર હવામાન ચોખ્ખુ થવાનું શરૂ થઈ ગયું છે. હવામાન એજન્સીના જણાવ્યા મુજબ આગામી ૩-૪ દિવસમાં મેઘાલય, અસમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમી હિમાલયની પહાડીઓ પર દિવસ અને રાતનું તાપમાન સામાન્યથી ઘણું ઉપર રહેશે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં દિવસનું તાપમાન સામાન્યથી વધુ રહેશે. ઉત્તર ભારતની વાત કરીએ તો ૨૨થી ૨૪ ફેબ્રુઆરી વચ્ચે આ વિસ્તારમાં તાપમાનમાં મામૂલી ઘટાડો થઈ શકે છે.
