નવીદિલ્હી
છત્તીસગઢમાં એક વ્યક્તિએ હોમ થિયેટરમાં વિસ્ફોટક ભરીને પોતાની પૂર્વ પ્રેમિકાના લગ્નમાં ભેટમાં આપ્યું હતું. બાદમાં હોમ થિયેટરમાં થયેલા બ્લાસ્ટમાં યુવકની પૂર્વ ગર્લફ્રેન્ડના પતિ સહિત બે લોકોના મોત થયા છે. ઘટના કબીરધામ જિલ્લાની છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી છે. પોલીસે કહ્યું કે સોમવારે થયેલા આ બ્લાસ્ટમાં ચાર અન્ય લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ૩૦ માર્ચે લગ્નમાં આરોપીએ આ મ્યૂઝિક સિસ્ટમ ભેટમાં આપી હતી. જે રૂમમાં આ હોમ થિયેટર બ્લાસ્ટ થયું છે તે રૂમમાં ધમાકાને કારણે રૂમની દીવાલો અને છત્તમાં તિરાડ પડી ગઈ છે. કબીરધામના એએસપી મનીષા ઠાકુરે કહ્યુ કે આ મામલામાં પોલીસે મધ્ય પ્રદેશના એક યુવકને કસ્ટડીમાં લીધો છે. તેમણે કહ્યું કે અમે સરૂ મરકામ નામના એક યુવકને ઝડપ્યો છે. તે મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાનો રહેવાસી છે. તેણે મ્યૂઝિક સિસ્ટમમાં આ વિસ્ફોટક ભરીને ભેટમાં આપવાની વાત સ્પીકારી છે. અમે તે વાતની માહિતી મેળવી રહ્યાં છીએ કે તેને વિસ્ફોટક ક્યાંથી મળ્યો હતો. આ ઘટના રેંગાખાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચમારી ગામની છે. જ્યારે નવ પરીણિત ૨૨ વર્ષના હેમેન્દ્ર મેરાવીએ મ્યૂઝિક સિસ્ટમને સ્વિચ ઓન કરી તો મ્યૂઝિક સિસ્ટમમાં ધમાકો થઈ ગયો. હેમેન્દ્રના લગ્ન અંજના ગામની રહેવાસી એક યુવતી સાથે થયા હતા. સોમવારે હેમેન્દ્ર અને ઘરના કેટલાક અન્ય સભ્યો લગ્નમાં મળેલી ભેટ ખોલી રહ્યાં હતા. આ દરમિયાન રૂમમાં અન્ય લોકો પણ હાજર હતા. જ્યારે હેમેન્દ્રએ મ્યૂઝિક સિસ્ટમ ઓન કરી તો ધમાકો થયો હતો. આ ધમાકામાં હેમેન્દ્ર સિવાય તેના ૩૦ વર્ષના મોટા ભાઈ રાજકુમારનું પણ મોત થયું છે.


